પોલીસે 10થી વધુ લોકોની અટકાયત કરી તપાસ હાથધરી
ગોકળપુરા ગામ અને 5 કિમી વિસ્તારમાં કલમ 144 લાગુ
450થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ

ખેડૂત દિનેશ બારીયાની હત્યા બાદ અંતિમવિધિ કરવા બાબતે થયેલ પથ્થર મારામાં શહેરા પોલીસે 32 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે,તો 400 થી 450 લોકો સામે ટોળા વિરુદ્ધની ફરિયાદ નોંધાવી છે.પોલીસને ગાળો બોલી હોય તેવી પણ ફરિયાદ નોંધાઈ છે,આ પથ્થરમારાની ઘટનામાં બે પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.ગોકળપુરા ગામ અને આજુબાજુના પાંચ કિમી વિસ્તારમાં આજે પણ 144ની કલમ લાગુ હોવા સાથે પાંચ કરતા વધુ લોકો ભેગા થઈ શકશે નહી.

ગાય ચરાવવા મુદ્દે થઈ પૂર્વ સરપંચની હત્યા

શહેરાના ગોકળપુરા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ બારીયાએ ખેતરમાં પશુઓ નહીં ચરાવવા બાબતે આપતા ગામ નજીકના જ યુવકોએ માથામાં લાકડીના ફટકા મારીને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પૂર્વ સરપંચના પરિવારજનો સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈને ગોકળપુરા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એવામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગામમાં ગોઠવાયો હતો.

પોલીસ પર ટોળાએ કર્યો પથ્થરમારો

જોકે પૂર્વ સરપંચના મોત બાદ પરિજનોએ આરોપીઓના ઘરની સામે જ તેમના અંતિમ સંસ્કાર કરવાની માંગ સાથે અડગ રહ્યા હતા. જોતા જોતામાં ટોળું એકઠું થઈ જતા ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડયા હતા. દરમિયાન અચાનક કોઈએ ટોળામાંથી પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. ઘટનામાં પોલીસકર્મીને પથ્થર વાગતા માથામાં ઈજા પહોંચી હતી. તો પોલીસની પણ એક ખાનગી કારના કાચ તૂટી ગયા હતા.

બે દિવસ માટે કલમ 144 લાગુ

બે દિવસ સુધી 144 ની કલમ લાગુ શહેરાના ગોકળપુરા ગામે બનેલી ઘટના મામલે શહેરા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ક્રિમિનલ પ્રોસીજર કોડ 173ની કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. ગોકળપુરા તથા તેની આસપાસની 5 કિમી ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં કરાયેલ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું. 5 કિમી ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં 5 કે તેથી વધુ વ્યકિતઓને એકસાથે ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકયો. સલામતીના હિતમાં એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર શહેરા દ્વારા તા.17 અને 18 એમ બે દિવસ માટે કલમ 144 લાગુ કરાઈ.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *