– કરાંચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે : ત્યાંથી આપણે મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સાથે, સંપર્કમાં છીએ, છતાં ત્યાં પાણી માટે વલખાં છે
ઇસ્લામાબાદ : ધી મુત્તાહીદા કૌમી મુવમેન્ટ-પાકિસ્તાન (એમક્યુએમ-પી)ના નેતા, સૈયદ મુસ્તફા કમાલે પોતાનો આક્રોશ ઠાલવતાં પાકિસ્તાનની સમવાયતંત્રી સંસદમાં કહ્યું હતું કે ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે, જ્યારે આપણાં કરાંચીમાં બાળકો ખુલ્લી ગટરમાં પડી જાય છે.
એમ.ક્યુએમ-પીના નેતાએ પાકિસ્તાનની સંસદમાં વધુમાં જણાવ્યું હતું કે સિંધમાં ૭૦ લાખ બાળકો શાળાએ જઇ શક્તાં નથી, અને સમગ્ર પાકિસ્તાનમાં મળી, ૨.૬ કરોડ બાળકો શાળાથી વંચિત રહ્યાં છે.
તેઓએ વધુમાં કહ્યું : ‘કરાંચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે, પાકિસ્તાનની રચના થઇ ત્યારથી તેનાં બે બંદરો કાર્યરત છે. તે બંને કરાંચીમાં જ છે. અમે (કરાંચી) સમગ્ર પાકિસ્તાન માટે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા માટેનું પ્રવેશ દ્વાર છે. છતાં ૧૫ વર્ષથી કરાંચીને ચોખ્ખાં પેયજલનું એક ટીપું પાણી મળતું નથી. ટેન્કરો દ્વારા પણી પહોંચાડવામાં આવે છે, પરંતુ ટેન્કર માફીયાં તેની સંઘરાખોરી કરી કરાંચીના લોકોને ઊંચા ભાવે વેચે છે.’
કાગળ ઉપર જણાવાયું છે કે આપણા દેશમાં ૪૮,૦૦૦ શાળાઓ છે. પરંતુ તે પૈકી ૧૧,૦૦૦ શાળાઓ તો ‘ભૂતીયા-શાળાઓ’ (બનાવટી શાળાઓ છે, સિંધમાં ૭૦ લાખ બાળકો શાળાએ જતાં નથી. સમગ્ર દેશમાં ૨ કરોડ ૬૨ લાખ બાળકો શાળાએ જતાં નથી. જો આપણે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો દેશના નેતાઓ સરખી ઊંઘ નહીં લઇ શકે. તેમ પણ આ એમક્યુએમના નેતાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે ભારતે ઓગસ્ટ-૨૦૨૩માં ચંદ્રયાન-૩ ચંદ્ર ઉપર મોકલ્યું. ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર જનારૃં વિશ્વનું તે પહેલું યાન બની રહ્યું છે. જ્યારે પાકિસ્તાન, આર્થિક મંદી, ફુગાવાના ઊંચા દર અને વધતાં જતાં દેવાં નીચે દબાઈ રહ્યું છે. હવે તે આઈએમએફ પાસે એક્સટેન્ડેડ ફંડ ફેસીલીટી નીચે નવી લોન માગી રહ્યું છે.
આ ગ્લોબલ લેન્ડર (વૈશ્વિક ધીરનાર)ની ટીમ પાકિસ્તાન આવી છે અને ખર્ચાઓ ઉપર કડક અંકૂશો રાખવા જણાવી રહી છે. તેમ પણ આ સાંસદે સૌની આંખ ઊઘાડતાં કહ્યું હતું.