Scam 2010 | સ્કેમ વેબ સીરિઝના ત્રીજા ભાગની સત્તાવાર ઘોષણા કરાઈ છે. આ વખતે તેમાં સુબ્રતો રોય સહારાની કથા હશે. સીરિઝનું ટાઈટલ ‘સ્કેમ 2010: ધી સુબ્રતો રોય સાગા’ હશે.
આ સીરિઝના સર્જક હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર સીરિઝના ત્રીજા ભાગની જાહેરાત કરી હતી. તમલ બંદોપાધ્યાયના પુસ્તક ‘ સહારા ધી અનટોલ્ડ સ્ટોરી’ના આધારે આ ત્રીજા ભાગની પટકથા તૈયાર કરાઈ છે.
સુબ્રતો રોય સહારાએ ચીટ ફંડ કંપનીથી શરુઆત કર્યા બાદ અનેક વિધ ક્ષેત્રોમાં રોકાણ કર્યું હતું. જોકે, રોકાણકારોના પૈસા ડૂબાડવા સહિતના સ્કેમમાં તેનું નામ આવ્યા બાદ ૨૦૧૪માં તેની ધરપકડ કરાઈ હતી. થોડા સમય પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
‘સ્કેમ’ સીરિઝનો પહેલો ભાગ હર્ષદ મહેતાના શેર બજાર કૌભાંડ આધારિત હતો. જ્યારે બીજા ભાગમાં અબ્દૂલ કરીમ તેલગીનું સ્ટેમ્પ પેપર કૌભાંડ દર્શાવાયું હતું.