ભાજપનો આંતરકલહઃ મનપાના પદાધિકારીઓ અને ધારાસભ્ય સામસામે : ધારાસભ્ય કોરડિયાએ ધીમા કામ અંગે CMને ફરિયાદ કરતાં મેયર સાઈટ વિઝિટે દોડયાં, ડેપ્યુટી મેયર એજન્સીના બચાવમાં ઉતર્યા
જૂનાગઢ, : ગુજરાતમાં અનેક જગ્યાએ ભાજપમાં ચાલતો વિવાદ ચરમ સીમાએ છેે તેમાં હવે જૂનાગઢ શહેર પણ બાકાત રહ્યું નથી. નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફિકેશન મુદ્દે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય અને ભાજપ શાસિત મહાપાલિકાના પદાધિકારીઓ આમને-સામને થઈ ગયા છે. કામ ધીમું હોવાથી આગામી ચોમાસામાં જૂનાગઢ પર ફરી કૃત્રિમ હોનારત તોળાઈ રહી છે એવા ધૂંધવાટ સાથે ધારાસભ્ય સંજય કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ધારાસભ્યના મતે કામ કરનાર એજન્સી અને અધિકારીઓની બેદરકારી છે જ્યારે ડેપ્યુટી મેયરના મતે એજન્સી ખૂબ સારી છે. દરમિયાન, ધારાસભ્યએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી પછી મેયરે નરસિંહ મહેતા સરોવર ખાતે રૂબરૂ દોડી જઈ તાત્કાલીક કામ પુરૂ કરવા એજન્સીને આદેશ કર્યો છે.
જૂનાગઢ શહેરના હાર્દ સમા નરસિંહ મહેતા સરોવર મુદ્દે ભાજપમાં અંદરો-અંદર વિખવાદ થયો છે. ગત ચોમાસામાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના કારણે જ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી. ફરીવાર આ સ્થિતિ થાય તેવી ભીતિ ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરી છે. હજુ પ્રથમ તબક્કાનું કામ પણ પૂર્ણ થયું નથી. એ પૂર્ણ થાય ત્યારબાદ બીજા તબક્કાનું કામ શરૂ થાય તેમ છે. ચોમાસા પહેલાં એ શક્ય નથી જણાતું અને એ મુદ્દે હવે ભાજપમાં વિખવાદ પણ થયો છે. આવી સ્થિતિ વચ્ચે જૂનાગઢના ધારાસભ્ય અને મનપાના પદાધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ સામે આવી ગયો છે. આમ, નરસિંહ મહેતા સરોવરના વિકાસ મુદ્દે ભાજપના જ આગેવાનો સામસામે થઈ ગયા છે ત્યારે હવે આગામી સમયમાં કોનો પેચ ઉપર રહે તેને લઈ અનેક કવાયતો શરૂ થઈ ગઈ છે.