દેશભરમાંથી સહેલાણીઓ જ્યાં સિંહદર્શન માટે ઉમટે છે તેવા : માવઠાં વચ્ચે ભૂકંપોના સિલસિલાથી ગભરાટઃ ધારી,અમરેલી, તાલાલા વિસ્તારમાં ધ્રુજારી અનુભવાઈ : 3.2ની તીવ્રતા નોંધાઈ
રાજકોટ, : એશિયન સિંહોના નિવાસ અને દેશના સહેલાણીઓ જ્યાં ઉમટતા રહ્યા છે તે સાસણગીર પંથકમાં ધરતીની ઉપરી સપાટીએ ઉપરાઉપરી તીવ્ર ભૂકંપોનો સિલસિલો શરૂ થયો છે. આજે આઠ દિવસમાં ૪થો તીવ્ર ભૂકંપ નોંધાયો છે અને તે ઉપરાંત અનેક નાના આંચકા પણ આવ્યાની શક્યતા છે. આજે સાંજે 5.33 વાગ્યે વધુ એક વાર, 3,2ની તીવ્રતાથી સાસણગીર અને આસપાસના વિસ્તારોની ધરતી ધણધણી ઉઠી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આઈ.એસ.આર.માં નોંધાયા મૂજબ 21.176 અક્ષાંસ અને 70.580 રેખાંશ ઉપર જમીનથી માત્ર 6.9 કિ.મી.ઉંડાઈએ તલાલાથી 15 કિ.મી. ઉત્તરે મેંદરડા-સાસણ રોડ નજીક અને સાસણગીર અને સૂરજગઢ વચ્ચે આ ભૂકંપનો કેન્દ્રબિંદુ નોંધાયું છે.
આ પહેલા (1) તા. 9-5-24ના 12.55 વાગ્યે આ જ વિસ્તારમાં એક કિ.મી.નજીક 3.7ની તીવ્રતાનો (2) તા. 8-5-2024ના બપોરે 3.18 વાગ્યે આજના કેન્દ્રબિંદુથી 3 કિ.મી.અંતરે 3.4 ની તીવ્રતાનો અને (3) આ જ દિવસ તા. 8ના બપોરે 3.14 વાગ્યે 3.7ની તીવ્રતાનો અને માત્ર એક કિ.મી.ના અંતરે ભૂકંપ નોધાયો હતો. આજે સતત ચોથો ભૂકંપ અને તે પણ ૩થી વધુ રિચર સ્કેલ પર નોંધાયો છે જેમાં કોઈ મોટી ફોલ્ટલાઈન કે જમીનનો ફોલ્ટ સક્રિય થયાનું અનુમાન છે. આ ઉપરાંત તા. 2-5-20222 ના હાલના ભૂકંપથી નેકગણો વધુ શક્તિશાળી 4.0નો ભૂકંપ પણ આ જ વિસ્તારમાં નોંધાયો હતો.
આ તમામ ભૂકંપોનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિ.મી. કરતા ઓછી ઉંડાઈએ છે અર્થાત્ જમીનની ઉપરી સપાટી ઉપર આ ભૂકંપો ઉદ્ભવી રહ્યા છે. અગાઉ થયેલા સર્વે મૂજબ ઉપરી સપાટીમાં કચ્છ જેવો મહાવિનાશક ભૂકંપ આવવાની શક્યતા ઓછી હોય છે, કચ્છમાં જે ભૂકંપ આવે છે ત્યાં કે.એમ.એફ. તરીકે ઓળખાતી મોટી ફોલ્ટલાઈન આવેલી છે.
ધારી,જુનાગઢ અને અમરેલીથી મળતા વિશેષ અહેવાલ મૂજબ ભૂકંપના આંચકા તીવ્ર હોય દૂર દૂર સુધીના ગામોમાં તેની ધુ્રજારી અનુભવાય છે. હાલ માવઠાંની મૌસમ વચ્ચે ભૂકંપથી લોકોમાં ભયનો માહૌલ સર્જાયો છે. ધારી ગીરના ગઢીયા, ચાવંડ, તુલસીશ્યામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપ અનુભવાયો હતો.