Madhavi Raje passes away: કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ની માતા માધવી રાજે સિંધિયા (Madhavi Raje Scindia)નું બુધવારે નિધન થઇ ગયું. છેલ્લાં બે મહિનાથી દિલ્હી AIIMSમાં દાખલ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ત્રીજા તબક્કાના મતદાનથી ઠીક પહેલા તેમની તબીયત લથડી હતી. તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે મધ્યપ્રદેશના ગ્વાલિયર લવાશે.
સિંધિયાના કાર્યાલયમાંથી સમાચાર આપવામાં આવ્યા
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના કાર્યાલયમાંથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અત્યંત દુઃખ સાથે અમે જણાવવા માંગીએ છીએ કે રાજમાતા સાહેબ હવે નથી રહ્યા. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા અને ગ્વાલિયર રાજવી પરિવારના રાણી માતા માધવી રાજે સિંધિયાની છેલ્લા બે મહિનાથી સારવાર ચાલી રહી હતી. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી એઈમ્સ હોસ્પિટલમાં હતા અને સવારે 9.28 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.’
માધવી રાજે મૂળ નેપાળના હતા
રાજમાતા માધવી રાજે સિંધિયા મૂળ નેપાળના હતા. તેઓ નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધિત હતા. તેમના દાદા જુડ શમશેર બહાદુર નેપાળના વડાપ્રધાન હતા. રાજમાતાના લગ્ન વર્ષ 1966માં માધવરાવ સિંધિયા સાથે થયા હતા. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની માતાની ખૂબ નજીક માનવામાં આવે છે. માતાની ખરાબ તબિયતના કારણે તેઓ ભાજપના કાર્યક્રમોથી દૂર રહ્યા હતા.