Surat Corporation News :સુરત મહાનગરપાલિકાના દબાણ હટાવવાની કામગીરી વધુ એકવાર વિવાદમાં આવી છે. સુરત પાલિકા ન્યુસન્સ જોઈને નહીં પરંતુ વિસ્તાર જોઈને દબાણ હટાવી રહી છે. પાલિકાની દબાણ હટાવવાની કામગીરી સામે માથાભારે તત્વો પ્રતિકાર કરે કે દાદાગીરી કરે તો તેવા વિસ્તારના દબાણ હટાવવામાં આવતું નથી. જ્યારે કેટલીક જગ્યાએ દબાણ કરનારા પાલિકાને આજીજી કરે છે તેવા વિસ્તારના દબાણો પાલિકા કડકાઈથી હટાવી દે છે. પાલિકા આજીજી કરનારા દબાણ કરનારા સામે વાઘ બની જાય છે પરંતુ દાદાગીરી કરનારા તત્વો સામે બિલાડી બની જાય છે પાલિકાની આ નીતિના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

સુરત પાલિકાના ભટાર વિસ્તારમાં ઉમા ભવન નજીક કેરીનું વેચાણ માટે દબાણો અંગેની ફરિયાદ બાદ પાલિકા તંત્રએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી. આ કેરીના વેચાણ કરનારામાં મોટા ભાગે વૃદ્ધાઓ હતી તેઓએ બાજુ ખસી જવા માટેની વિનંતી કરી હતી પરંતુ પાલિકાના દબાણ વિભાગે મહિલાઓની એક પણ સાંભળી ન હતી અને વસ્તુઓ જપ્ત કરી હતી. ગરીબ મહિલાઓના આંખમાં આંસુ આવી ગયાં હતા તેમ છતાં પાલિકાની ટીમ દબાણ કડકાઈ થી હટાવી લીધા હતા.

 આ દબાણ હટાવવાની કામગીરી સામે લોકોનો વિરોધ નથી પરંતુ પાલિકાની દબાણ હટાવવાની બેવડી નીતિ સામે લોકોમાં ભારે વિરોધ છે.  પાલિકાએ દબાણ હટાવ્યા તેના બે કિલોમીટરના વિસ્તારમાં જ મજુરાગેટ વિસ્તાર આવ્યો છે. ગાંધી કોલેજ ની જુની આરટીઓ વચ્ચેના રોડ પર પાલિકાએ ટ્રાફિકની સરળતા માટે રોડ બનાવ્યો છે. તે રોડ અને ફુટપાથ પર માથાભારે તત્વો દબાણ કાયમી દબાણ કરી રહ્યાં છે. ફોર વ્હીલર જાય એટલો મોટો રોડ છે પરંતુ આ રોડ પર ટુ વ્હીલર પણ પસાર થઈ શકે તેટલી જગ્યા નથી.

આ જગ્યાએ પાલિકા દબાણ દુર કરવા જાય છે તો માથાભારે દબાણ કરનારાઓ ભેગા થઈને પાલિકાની ટીમ પર હુમલો કરે છે. આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં આ કાયમી દબાણ દુર કરી શકતી નથી. તો બીજી તરફ કેટલીક જગ્યાએ હંગામી દબાણો કડકાઈથી દૂર કરે છે. તેથી પાલિકા દબાણ દુર કરવાની કામગીરી કરે તો હંગામી દબાણ તો દુર કરે પરંતુ તેની સાથે માથાભારે તત્વો કાયમી દબાણ કરે છે તેવા દબાણો પણ દૂર થવા જોઈએ તેવી માગણી થઈ રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *