Unseasonal Rain in Jamnagar : સૌરાષ્ટ્રના મોરબી સહિતના પંથકમાં ગઈ રાત્રે તોફાની પવન સાથે વરસાદ થયો હતો, જેની સાથે સાથે જામનગર શહેરમાં પણ ગઈકાલે રાત્રિના 11.30 વાગ્યા આસપાસના સમયગાળા દરમિયાન હવામાનમાં પલ્ટો આવ્યો હતો, અને તોફાની પવન સાથે સૌ પ્રથમ ધૂળની ડમરી ઉડી હતી. ત્યારબાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. તોફાની પવનને લીધે થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો, અને વેકેશનના સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળેલા લોકોમાં દોડધામ થઈ હતી, અને ઝડપભેર પોતાના ઘેર પહોંચવા લાગ્યા હતા. પરંતુ થોડો સમય બાદ વરસાદ અને પવન પણ શાંત થયો હતો. જેથી સર્વે એ હાશકારો અનુભવ્યો હતો. જો કે આજે સવારથી ફરી હવામાન ખુલ્લું થયું છે, અને સૂર્યદેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

 જામનગર શહેરની સાથે સાથે જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં પણ તોફાની પવન સાથે વરસાદ થયો હતો, અને કેટલાક વિસ્તારોમાં પવન સાથેના વરસાદને લઈને ખેડૂતોના ઉભા પાકને તેમજ તૈયાર રખાયેલા પાકના જથ્થાને નુકસાની થઈ છે. કાલાવડ ટાઉન અને આસપાસના વિસ્તારમાં તેમજ નિકાવા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો છે.

 સાથે સાથે જામજોધપુર પંથકમાં પણ ગઈકાલે સાંજે મેઘરાજાની ભારે પવન સાથે એન્ટ્રી થઈ હતી. જામજોધપુર તાલુકાના શેઠ વડાળા, નરમાણા, સમાણાં, દલ-દેવડીયા, બાવરીદડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. જેના કારણે ખેડૂતના ઉભા પાકને નુકસાની થઈ છે. જોકે આજે હવામાન ખુલ્લું બન્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *