નવી દિલ્હી,૧૩ મે,૨૦૨૪,સોમવાર 

પાકિસ્તાનમાં જે રાજકિય નેતાને વર્ષો પહેલા દેશદ્રોહના ગુનામાં ફાંસીના માંચડે લટકાવાયા હતા તેમને હવે રાષ્ટ્રીય હિરો જાહેર કરવાની માંગ ઉઠી છે. નવાઇની વાત તો એ છે કે સમર્થકોએ કરન્સી નોટ પર ફોટો છાપવાનો પણ આગ્રહ રાખી રહયા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પોતાના દેશની કરન્સી પર ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો ફોટો હોય તે સંબંધી એક પ્રસ્તાવ પાસ કર્યો હતો. એટલું જ નહી ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પુરસ્કાર શરુ કરવાની સમર્થકોમાં માંગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રસ્તાવ ‘ભુટ્ટો સંદર્ભ અને ઇતિહાસ’ નામના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સ્થાપક હતા. પીપીપી શાહબાઝ નવાઝની સરકારને બહારથી સમર્થન આપી રહી છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પણ રહયા હતા. ૧૯૭૯માં જનરલ જિયા ઉલ હકના શાસનમાં ફાંસી આપવામાં આવી હતી.

૧૯૫૮ જનરલ અયુબખાને સરકાર પર કબ્જો કર્યો ત્યારે ભુટ્ટોએ વાણિજયમંત્રી તરીકે નિયુકત કર્યા હતા. ૧૯૬૩ થી ૧૯૬૬ દરમિયાન વિદેશમંત્રી તરીકે પશ્ચિમી શકિતઓથી વધારે સ્વતંત્રતા અને ચીન સાથે ઘનિષ્ઠ સંબંધો માટે પ્રયાસ કર્યા હતા. ૧૯૬૭માં ઝુલ્ફીકારઅલી ભુટ્ટોએ પાકિસ્તાન પીપલ્સની સ્થાપના કરી હતી. ભુટ્ટોએ અયુબખાનના તાનાશાહી શાસનની ટીકા કરતા તેમને જેલમાં પુરવામાં આવ્યા હતા.

અયુબખાનના તાનાશાહી શાસનને ઉખાડી ફેંકવા માટે યાહ્વાખાનના નેતૃત્વમાં ૧૯૭૦માં જનરલ ઇલેકશનનું આયોજન થયું. જનરલ ઇલેકશનમાં ભુટ્ટોની પાર્ટી પીપીપીએ પશ્ચિમી પાકિસ્તાનમાં ખૂબ સારો દેખાવ કર્યો હતો પરંતુ પૂર્વી પાકિસ્તાનમાં મુજીબૂર રહેમાનની અવામી લીગને સૌથી મોટી સફળતા મળી હતી.ભુટ્ટોએ અલગ બાંગ્લાદેશની માંગણી કરી રહેલી અવામી લીગને અલગાવવાદી ગણાવીને સરકાર રચવાની ના પાડી દીધી હતી. છેવટે ચુંટણી રદ્ કરવામાં આવતા વ્યાપક તોફાનો ફાટી નિકળ્યા જે ધીમે ધીમે ગૃહયુધ્ધમાં ફેરવાઇ ગયા હતા. ભારતની મદદથી પૂર્વી પાકિસ્તાનમાં સ્વતંત્ર બાંગ્લાદેશનો ઉદય થયો હતો. 

યાહ્વાખાને ૨૦ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ રાજીનામું આપીને ભુટ્ટોને સરકારનું સુકાન સોંપ્યું હતું. ભુટ્ટોએ કેટલાય પુરોગામીઓને નજરકેદ કર્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે તેમને પોતાના અધિકારોનો ઉપયોગ કર્યા પછી ૧૯૭૩માં નવા બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદનું મહત્વ ઘટાડીને વડાપ્રધાનનું પદ તૈયાર કર્યું હતું. જો કે રાષ્ટ્પતિ તરીકે રાજીનામુ આપીને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ખુદ વડાપ્રધાન બની ગયા હતા. માર્શલ લો ને યથાવત રાખીને પાકિસ્તાનના ઇસ્લામીકરણની શરુઆત કરી હતી.

 ભારતની પરમાણુ શકિતથી ગભરાઇને પાકિસ્તાન ઘાસ ખાઇને જીવશે તો પણ અણુબોંબ જરુર બનાવશે એવું નિવેદન આપીને ચકચાર જગાવી હતી. ૧૯૭૭માં યોજાયેલી સામાન્ય ચુંટણીઓમાં ભુટ્ટોની ભારે બહુમતિથી વિજેતા બની હતી પરંતુ વિપક્ષોએ ચુંટણીમાં ગેરરિતી થઇ હોવાના આક્ષેપો કરીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. ૫ જુલાઇ ૧૯૭૭ના રોજ સેના પ્રમુખ જનરલ મોહમ્મદ જિયા ઉલ હક્કે મોકો જોઇને સત્તા હાથમાં લઇ લીધી હતી. ભુટ્ટોને જેલમાં નાખ્યા અને રાજકીય વિરોધીઓની હત્યાના ગુનામાં ૪ એપ્રિલ ૧૯૭૯ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

ભુટ્ટોની પીપીપી પાર્ટીના રાજકીય વારસદાર તરીકે પુત્રી બેનઝીર ભુટ્ટોએ રાજકારણમાં ઝંપલાવીને ૧૯૮૮માં પાકિસ્તાનની પ્રથમ મહિલા વડાપ્રધાન બની હતી. ૨૦૦૭માં બેનઝીર ભુટ્ટોનું બોંબ હુમલામાં મુત્યુ થતા બેનઝીરનો પુત્ર બિલાવલ ભુટ્ટો પીપીપીનું રાજકિય નેતૃત્વ સંભાળે છે. પીપીપી પોતાના સ્થાપક અને દિવંગત નેતાને લોકશાહીના સ્થાપક માનતી હોવાથી નેશનલ હિરોનું પદ ઇચ્છે છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *