અમદાવાદ,સોમવાર
રખિયાલ વિસ્તારમાં અલતાફ બાસી સહિત અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, રખિયાલમાં સાયકલ રિપેરિંગગ કરતા વૃદ્ધ સાથે પડોશી બે શખ્સોએ તકરાર કરીને પકડી રાખીને ચાકુથી હુમલો કરીને જાહેરમાં લાફા માર્યા હતા. આ ઘટના અંગે રખિયાલ પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમારો ત્રાસ વધી ગયો છે કહેતા વૃદ્ધને ચાકુ મારી લાફા માર્યા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી
રખિયાલ વિસ્તારમાં ડો. કનુંભાઇની ચાલીમાં રહેતા વૃદ્ધે રખિયાલ પોલીસ સ્ટેશનમાં તેમની ચાલીમાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે વૃદ્ધ તેમના ઘરે હાજર હતા ત્યારે આ બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તમે અમારી વિરુધ્ધ કેમ ફરિયાદ કરવા જાઓ છો તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા.
જેથી વૃદ્ધે તમારો ત્રાસ વધી રહ્યો છે તેમ કહેતાની સાથે જ તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને એક શખ્સેવૃદ્ધને પકડી લીધા હતા જ્યારે બીજાએ તેમના ઉપર ચાકુથી હુમલો કર્યા બાદ લાફા મારી દીધા હતા. વૃદ્ધે હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ બન્ને શખ્સો સામે ફરિયાદ કરતાં પાલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.