અમદાવાદ,સોમવાર
નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ સબ ઇન્સ્પેકટરે પોલીસ ઇન્સ્પેકટર સામે કામગીરી કરવા માટે ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેેપો કર્યા હતા. જેમાં એક પીએસઆઇએ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો હતો જ્યારે બીજા પીએસઆઇએ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોેન કરીને જાણ કરી હતી. પોલીસ કમિશનરે આ વિવાદ ટાળવા માટે બન્ને પીેએસઆઇની રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં બદલી કરી છે.
વિવાદ ટાળવા પોલીસ કમિશનરે પીએસઆઇની બદલી કરી પીઆઇ સામે તપાસના આદેશ આપ્યા
નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.બી.શિયાળ નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી.જાટ હેરાનગતિ કરીને ત્રાસ આપતા હોવાનો પત્ર પોલીસ કમિશ્નર કચેરી તેમજ ગૃહવિભાગને મોકલ્યો છે. તેને લઇને તેઓ રાજીનામું આપી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પીઆઇ પીએસઆઇને જાહેરમાં ગાળો બોલીને ત્રાસ આપે છે. તેમજ અન્ય સાતથી આઠ પોલીસકર્મીઓને પણ હેરાન કરતા હોવાનો આરોપ મૂક્યો છે.
બીજીતરફ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તથા પીએસઆઇ આર.ઓ.યાદવે પણ પોતાને પીઆઇ ત્રાસ આપતા હોવાનો પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કર્યો હતો. આ બનાવની ગંભીર નોંધ લઇને હાલ પુરતો વિવાદ ટાળવા માટે પોલીસ કમિશનરે આજે પીએસઆઇ યાદવને વેસ્ટ રિવરફ્રન્ટ તથા પીએસઆઇ શિયાળની ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં બદલી કરી છે.