ગ્રામજનોમાં ભભૂકી ઉઠેલો આક્રોશ : ગામનાં પૂર્વ સરપંચનું કૃત્ય હોવાની શંકાના આધારે એરપોર્ટ પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ
રાજકોટ, : રાજકોટ નજીકના જીયાણા ગામે ગઈકાલે રાત્રે બે મંદિરની અંદર અને એક મંદિરની બહાર આગ લગાડાયાની ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. એરપોર્ટ પોલીસે તત્કાળ તપાસ કરી ગામમાં જ રહેતા એક શકમંદની પૂછપરછ શરૂ કરી છે. જે પૂર્વ સરપંચ હોવાનું ચર્ચાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ જીયાણા ગામમાં બંગલાવાળી મેલડી માતાનું મંદિર છે. જયાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી તાવા પ્રસાદનો કાર્યક્રમ હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ મંદિરની અંદર લાકડા સળગાવી આગ લગાડવામાં આવી હતી. જેને કારણે માતાજીની છબી નષ્ટ થઈ હતી.
એટલું જ નહીં ગામનાં પાદરમાં આવેલા રામાપીરના મંદિરની અંદર પણ ટાયર મુકી આગ લગાડવામાં આવતાં મુર્તિ નષ્ટ પામી હતી. આટલેથી નહીં અટકતા ગામમાં જ આવેલા વાસંગી દાદાના મંદિરની બહાર જૂના કપડાં સળગાવવામાં આવ્યા હતા. મંદિરને તાળુ મારેલું હોવાથી મંદિરની બહાર કપડાં સળગાવાતાં મંદિરની અંદર કોઈ નુકસાની થઈ ન હતી.
ગામમાં જ તાલુકા પંચાયતના સદસ્ય કાનજીભાઈ સવજીભાઈ મેઘાણી (ઉ.વ. 63)ને આજે સવારે જાણ થતાં ત્રણેય મંદિર ખાતે દોડી ગયા બાદ એરપોર્ટ પોલીસને જાણ કરતાં તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. તપાસના અંતે પોલીસે કાનજીભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.
આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ડીસીપી સજ્જનસિંહ પરમારે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તત્કાળ પોલીસની ટીમોને કામે લગાડી દીધી હતી. સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ કરતાં ગામમાં જ રહેતા પૂર્વ સરપંચે આ કૃત્ય કર્યાની શંકાના આધારે તેની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શકમંદ ગામના પૂર્વ સરપંચ રહી ચૂકયા છે. તે માનસિક રીતે થોડા અસ્વસ્થ હોવાનું જણાય છે. સતત પોતાની અવગણના થતી હોવાનું પણ તેને લાગી રહ્યું છે. ફરિયાદી કાનજીભાઈએ જણાવ્યું કે બંગલાવાળી મેલડી માતા અને રામાપીર મંદિરના ગર્ભગૃહમાં મોટી નુકસાની થઈ છે.