– વરસાદ ખેંચાય તો ગ્રામ્ય વિસ્તારમાં લોકોની હાલત કફોડી બને તેવા એંધાણ
– જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 29 ટકા જ પાણીનો જથ્થો બચ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ૧૧ જળાશયો પૈકી ૬ જળાશયો હાલ તળીયાઝાટક થઇ ગયાં છે આ ૬ જળાશયોમાં હાલ પાણીના એક ટીપાંના દર્શન પણ દુર્લભ બન્યા છે. જિલ્લામાં બાકી રહેલા જળાશયોમાં પણ કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર ૨૯ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે ત્યારે આગામી ચોમાસામાં જો વરસાદ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે પારાયાણ સર્જાય તેવાં એંધાણ વર્તાંઇ રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર તેમજ તંત્ર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી ખાતે આવેલ એશિયાના સૌથી મોટા પંપીગ સ્ટેશનથી પાણી પંપીંગ કરી સૌરાષ્ટ્ર અને છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા જાણે તળાવ કાંઠે તરસી હોય તેવો ઘાટ સર્જાયો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી પાણી માટે મહિલાઓને રઝળપાટ કરવાની નોબત આવી છે જિલ્લામાં આવેલા મુખ્ય ૧૧ જળાશયો પૈકી ૬ જળાશયો મે માસની શરૂઆતમાં જ ખાલીખમ થઇ ગયાં છે. થોરીયાળી, મોરસલ, સબુરી, નિંભણી, ત્રિવેણીઠાંગા અને ધારી ડેમમાં હાલ પાણીની એક બુંદના દર્શન દુર્લભ બન્યા છે. આ ૬ જળાશયો સાયલા, ચોટીલા, મુળી વિસ્તારમાં આવેલા છે જેને લઇને આ ત્રણ તાલુકાના લોકોને પાણી માટે હાલ રઝળપાટ કરવાની નોબત આવી છે તેમજ બાકી રહેલા પાંચ જળાશયોમાં પણ કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર ૨૯ ટકા જ પાણીનો જથ્થો હાલ બચ્યો છે હજી મે મહિનાના ૨૦ દિવસ તેમજ જુન મહિનો એમ અંદાજે દોઢ મહિના સુધી આ પાણીનો જથ્થો ચાલે તેવી કોઇ શક્યતાઓ નથી. બીજી તરફ જો ચોમાસું ખેંચાય તો સુરેન્દ્રનગર શહેરને બાદ કરતા લગભગ તમામ તાલુકાઓમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાવાના એંધાણ છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વાર પાણી બેડાયુધ્ધના દ્રશ્યો જોવા મળે તો નવાઇ નહી. ત્યારે લોકોને પાણી માટે રઝળપાટ કરવાની નોબત ન આવે તે માટે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવે તેવી જિલ્લાવાસીઓમાં માંગ ઉઠવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી દર ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે તેમ છતાં ચૂંટાયેલા નેતાઓ કે અધિકારીઓ બન્નેમાંથી કોઇ પણ દ્વારા આ સમસ્યાના કાયની નિવારણ માટે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની લોકોમાં ચર્ચાઓ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નેતાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નર્મદાના પાણી આપી જળાશયો ભરી દેવાની મસમોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને એક બેડા પાણી માટે રઝળપાટ કરવો પડે છે આમ નેતાઓ દ્વારા ચૂંટણીલક્ષી માત્ર લોલીપોપ આપવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.