– યુક્રેન શસ્ત્રો, બખ્તરિયા ગાડીઓ માનવબળની ખેંચ ભોગવે છે
– રશિયાએ વળતો હુમલો કર્યો છે તેટલું જ નહીં પરંતુ તે વસંત કે ગ્રીષ્મ ઋતુમાં પ્રચંડ હુમલાની તૈયારી કરે છે : ઝેલેન્સ્કી
કીવ : યુક્રેનમાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દળો બખ્તરિયા ગાડીઓ સાથે યુક્રેનના ખાર્કીવ વિસ્તારમાં પ્રચંડ હુમલો કર્યો છે. શુક્રવારે કરેલા આ હુમલા દ્વારા રશિયન સૈન્ય યુક્રેનની સરહદથી વધુ ઊંડે સુધી ઘૂસી ગયું છે. આ સાથે તેણે નવો વોરફ્રન્ટ પણ ઊઘાડી નાખ્યો છે. યુક્રેનના પૂર્વ અને દક્ષિણના વિસ્તારો તો તબાહ થઇ ગયા છે. રશિયન દળો વોવચાન્સ્ક શહેર પાસે ૧ કી.મી. ઊંડે સુધી ઘૂસી ગયાં છે.
સીએનએન, યુક્રેનનાં લશ્કરી સાધનોને ટાંકતાં જણાવે છે કે રશિયાની વળતો પ્રહાર કરવાની આ નવી વ્યૂહરચના છે. આથી યુક્રેને તેનાં અનામત દળોને સક્રિય કરી દીધાં છે તે કટ્ટર સામનો કરી રહ્યા છે. કીવનાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે રશિયાએ સરહદે રહેલાં વૉવચાન્સ્ક શહેર ઉપર ગાઈડેડ બોમ્બ અને આર્ટીલરી સાથે પ્રચંડ હુમલો કર્યો છે. છેલ્લાં બે વર્ષમાં થયેલો આ સૌથી વધુ વિનાશક હુમલો છે.
કીવમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાએ વળતા હુમલાનાં નવાં મોજાએ દિશામાં વહેતાં મુક્યાં છે, ત્યાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. વાસ્તવમાં રશિયા નવા હુમલાની તૈયારીઓ કરી રહ્યું છે. અત્યારે થઇ રહેલા હુમલા તો ધ્યાન બીજે દોરવા કરવામાં આવે છે.
આ સાથે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા આ વસંત ઋતુમાં (મે મહિનામાં ઉત્તરના અક્ષાંશોમાં વસંત ખીલે છે) કે ઉનાળામાં (જૂન-જૂલાઈમાં) રશિયા પ્રચંડ આક્રમણ માટે તૈયારીઓ કરી રહ્યું છે.
યુક્રેનના ચીફ ઓફ જનરલ સ્ટાફે પણ કહ્યું હતું કે રશિયા ખાર્કીવથી ઉત્તરનાં સુમી અને સર્જીહીલ વિસ્તારમાં સેના ગોઠવી રહ્યું છે.
આટલા બધા અવરોધો વચ્ચે પણ યુક્રેનના લશ્કરી અધિકારીઓ વારંવાર કહે છે કે ૧૩ લાખ લોકોની વસ્તી ધરાવતાં ખાર્કીવ શહેર લેવા જેટલાં રશિયા પાસે દળો જ નથી. સરહદ ઉપરનાં ત્રણ ગામો, સ્ટ્રિલેચા, પીલ્ના અને બોરી હજી કંટ્રોલના ગ્રે-એરિયા (અનિશ્ચિત) સમાન રહ્યાં છે.
આમ છતાં યુદ્ધ પહેલાં ૧૭,૦૦૦ની વસ્તી ધરાવતાં શહેર વૉવચેન્ક્સમાં અત્યારે માંડ થોડા હજાર લોકો જ રહ્યા છે. તે સ્વીકારવા સાથે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તેના ટોચના કમાન્ડર ઍલેક્ઝાન્ડર સીર્સ્કીએ કહ્યું હતું કે ૧૦૦૦ કી.મી. (૬૬૦ માઇલ)નું લાંબી સરહદ ઉપર ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે.
૨૦૨૨માં યુક્રેને એક વખત તો રશિયન દળોને ભગાડી મુક્યાં હતાં. પરંતુ યુક્રેનનો વળતો હુમલો ગત વર્ષના અંત ભાગથી નબળો પડી ગયો છે.
યુક્રેન પાસે હવે માનવબળ પણ ઘટી રહ્યું છે. તેને શસ્ત્ર-સરંજામ અમેરિકા પહોંચાડતું હતું પરંતુ કોંગ્રેસમાં રીપબ્લિકન્સે તે મહીનાઓ સુધી અટકાવી રાખ્યું હતું. બીજી તરફ યુરોપીય યુનિયન સમયસર શસ્ત્ર-સરંજામ મોકલી શક્યું નથી. તેથી યુક્રેનને શસ્ત્રો, બખ્તરિયા ગાડીઓ અને માનવબળની પણ ખેંચ પડી રહી છે. તેથી રશિયન દળો, ૧૦૦૦ કીમી લાંબી સરહદેથી આગળ વધી રહ્યાં છે. યુક્રેન રશિયા ઉપર તેની ટ્રેન્ચોમાં ટીયર ગેસ છોડવાના પણ આક્ષેપો કર્યા છે.