– ઇસ્લામાબાદથી – સ્કાર્દ જતી ફલાઇટના કર્મચારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફની બેદરકારીએ મૃત બાળકનાં માતા-પિતાને ગંભીર આઘાત પહોંચાડયો
ઇસ્લામાબાદ : પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ)ના કર્મચારીઓની ઘોર બેદરકારી બહાર આવી છે. તેઓ છ વર્ષનાં બાળકનું શબ વિમાનમાં મુકવાનું જ ભૂલી ગયા. પોતાના લાડકા બાળકનું શબ વિમાનમાં મુકાઇ ગયું જ હશે, તેમ માની તે ૬ વર્ષના બાળક મુજતબાના માતા-પિતા વિમાનમાં બેસી ગયા. ઇસ્લામાબાદથી સ્કાર્દુ જતું વિમાન જ્યારે સ્કાર્દુ પહોંચ્યું ત્યારે મુજતબનુ શબ નહીં મળતાં તેઓ આઘાતમાં આવી ગયાં. વાયરલેસ દ્વારા સ્કાર્દના એરપોર્ટ અધિકારીઓએ ઇસ્લામાબાદ એરપોર્ટનો સંપર્ક સાધતાં ત્યાના અધિકારીઓએ સબ એરપોર્ટ ઉપર જ રહીં ગયું હોવાનું કબુલ્યું હતું. તેથી પોતાના પ્યારા બાળકનાં નિધનથી વ્યથિત થયેલા માતા-પિતા ભાંગી પડયા હતાં. માતા તો બેહોશ થઈ ગઈ હતી.
આ ઘટનાની વિગત તેવી છે કે, ખારમાંગ જિલ્લાનાં કાત્શિ ગામનાં રહેવાસી દંપતિનો ૬ વર્ષનો પુત્ર ગંભીર બિમારીમાં પટકાતાં સ્કાર્દ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો. પરંતુ ત્યાંના તબીબોએ તેને રાવલપિંડી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવા કહ્યું ત્યાં કેટલાએ સપ્તાહો સુધી રાવલપિંડીની બેનઝીર ભૂટ્ટો હોસ્પિટલમાં સારવાર કરાઇ પરંતુ કોઈ ફેર ન પડયો. છેવટે ગુરૂવારે તે બાળક જન્નત-નશીન થઈ ગયો.
તેનાં માતા-પિતા તેનું દફન પોતાના ગામમાં જ કરવા માગતા હતા. તેથી તે બાળકનાં શબને લઈ ઇસ્લામાબાદ પહોંચ્યાં. ત્યાંથી સ્કાર્દૂ જતી ફલાઇટમાં બેસી પોતાના ગામે વહેલા પહોંચવા માગતા હતા.
વિમાન પ્રવાસ માટેનું અન્ય કારણ તે પણ હતું કે માર્ગ દ્વારા ટેક્ષીમાં જાય તો સમય ઘણો જાય. વળી ઉનાળાનો તડકો પણ અસહ્ય હોય છે. તેથી તેમણે વિમાન-યાત્રા કરવા નિર્ણય કર્યો ત્યાં આવી ગંભીર ઘટના બની ગઈ.