– આંધ્ર પ્રદેશ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીમાં પણ મતદાન

– ચોથા તબક્કામાં ૮.૯૩ કરોડ મહિલા સહિત ૧૭.૭૦ કરોડ મતદારો ૧,૭૧૭ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે

નવી દિલ્હી: દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે સોમવારે ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. દેશના ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ લોકસભા બેઠકો પર સોમવારે મતદાન થવાનું છે ત્યારે અનેક ભાગોમાં કાળઝાળ ગરમીમાં મતદાનની ટકાવારી વધારવી એ ચૂંટણી પંચ માટે ગંભીર મુદ્દો બની ગયો છે. બીજીબાજુ ઓછા મતદાને ભાજપની ચિંતા વધારી દીધી છે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણીનું પણ મતદાન થવાનું છે. સોમવારે તેલંગણાની બધી જ ૧૭ અને આંધ્ર પ્રદેશની બધી જ ૨૫ લોકસભા બેઠકો પર મતદાન થશે. દેશમાં પહેલા ત્રણ તબક્કામાં ૫૪૩માંથી ૨૮૩ બેઠકો પર મતદાન થઈ ગયું છે.

દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે તેલંગણા અને આંધ્ર પ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશની ૧૩, મહારાષ્ટ્રની ૧૧, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશની આઠ, બિહારની પાંચ, ઝારખંડની ચાર, ઓડિશાની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. આમ, દેશના ૧૦ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૯૬ બેઠકો પર કુલ ૧,૭૧૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમનું ભાવ ૮.૭૩ કરોડ મહિલાઓ સહિત ૧૭.૭૦ કરોડ મતદારોના હાથમાં છે. લોકસભાની ૯૬ બેઠકો પર ચોથા તબક્કામાં ૧.૯૨ લાખ મતદાન મથકો પર ૧૯ લાખથી વધુ ચૂંટણી અધિકારીઓ તૈનાત કરાયા છે. 

લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશની બધી જ ૧૭૫ અને ઓડિશાની બધી જ ૨૮ વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડીના નેતૃત્વમાં વાયએસઆર કોંગ્રેસ, ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં ટીડીપી, પવન કલ્યાણના નેતૃત્વમાં જનસેના પાર્ટી તથા ભાજપના જોડાણ હેઠળ એનડીએ તેમજ કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોક લડી રહ્યા છે. બીજીબાજુ ઓડિશામાં શાસક પક્ષ બીજુ જનતા દળ (બીજેડી), ભાજપ અને કોંગ્રેસનો ત્રિપાંખીયો જંગ છે. 

મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિ બમે અંતિમ સમયે ઉમેદવારી પાછી ખેંચી લીતા ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી માટે એક તરફી ચૂંટણી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. જોકે, કોંગ્રેસે મતદારોને નોટાનો વિકલ્પ પસંદ કરી ભાજપને પછડાટ આપવા મતદારોને હાકલ કરી છે.

લોકસભા ચૂંટણીમાં સોમવારે જે બેઠકો પર મતદાન થવાનું છે તે ૯૬ બેઠકોમાંથી ૪૦થી વધુ બેઠકો પર ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએનો વિજય થયો હતો. આ ચૂંટણીના પહેલા ત્રણ તબક્કામાં અનુક્રમે ૬૬.૧૪ ટકા, ૬૬.૭૧ ટકા અને ૬૫.૬૮ ટકા મતદાન થયું છે ત્યારે આગામી તબક્કાઓમાં મતદાન કેવી રીતે વધારવું તે ચૂંટણી પંચ માટે સમસ્યારૂપ છે. ચૂંટણી પંચનું માનવું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે પહેલા ત્રણ તબક્કામાં મતદાન ઓછું થવાનું એક મહત્વનું કારણ હીટવેવની સ્થિતિ છે.

હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે લોકસભા ચૂંટણીના મતવિસ્તારોમાં તાપમાન સામાન્ય અથવા તેનાથી નીચું રહેવાની સંભાવના છે. આ વિસ્તારોમાં મતદાનના દિવસે હીટવેવ જેવી સ્થિતિ નહીં હોવાથી ઊંચા મતદાનની અપેક્ષા રાખી શકાય છે તેમ ચૂંટણી પંચે કહ્યું હતું. હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે તેલંગણામાં કેટલીક બેઠકો પર મતદાનનો સમય વધાર્યો છે.

આ તબક્કાના મતદાનમાં અનામત, તુષ્ટીકરણનું રાજકારણ, ભ્રષ્ટાચાર અને રોજગારી જેવા મુદ્દા પર એનડીએ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે જોરદાર આક્ષેપ-પ્રતિ આક્ષે થયા હતા. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ૮ લોકસભા બેઠકોના ૩,૬૪૭ મતદાન મથકોને જોખમી જાહેર કર્યા છે. આ મતવિસ્તારોમાં ચૂંટણી પંચે સુરક્ષિત મતદાન માટે કેન્દ્રીય દળોની ૧૫૨ કંપનીઓ તૈનાત કરી છે. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ થયા પછી શ્રીનગર લોકસભા બેઠક પર મતદાન થવાનું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *