ફરિયાદ નોંધાવ્યા બાદ ભોગ બનનાર યુવતીએ ઝેરી દવા પીધી
યાર્ડના પૂર્વ ચેરમેન, તેના પુત્રવધુ તથા પુત્રએ યુવતીની સગાઈ તોડાવી નાખી અને અવારનવાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
પૂર્વ ચેરમેનના પુત્ર સામે બગસરા પંથકની યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઇ છે. તથા યાર્ડના પૂર્વ ચેરમેન, તેના
પુત્રવધુ અને પુત્રએ યુવતીની સગાઈ તોડાવી નાખી અને અવારનવાર ફોન કરી જાનથી મારી
નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદ નોંધાવ્યા બાદ યુવતીએ ઝેરી
દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે.
બગસરા પંથકની યુવતી દ્વારા બગસરા આમ આદમી પાર્ટીના આગેવાન
અને બગસરા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન કાંતિભાઈ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયા
સામે છેલ્લાં ૧૫ વર્ષ દરમિયાન અવાર – નવાર તેમજ ૨૦ દિવસ પહેલા કારમાં આવી છરી
બતાવી લઈ જઈ રસ્તામાં તથા અલગ અલગ સ્થળોએ
દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ
છે.
આ ફરિયાદમાં પરિવારના અન્ય ત્રણ સભ્યો વિરુદ્ધ પણ ગુનો દાખલ
કરવામાં આવેલ છે.જેમાં કાંતિભાઈ શંભુભાઈ સતાસિયા, તેમના બીજા પુત્ર
ભાવિન કાંતિભાઈ સતાસિયા તથા પુત્રવધુ વૈશાલીબેન હરેશભાઈ સતાસિયાએ ફરિયાદી યુવતીની
સગાઈ તોડાવી નાખી તેમજ અવારનવાર ફોન કરે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
થયેલ છે. આ ફરિયાદ ને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દરમિયાન ફરિયાદ નોંધાવ્યા બાદ યુવતીએ ઝેરી દવા પી લેતા તેને
સારવાર માટે અમરેલી ખસેડવામાં આવી છે.જ્યારે આ સમગ્ર મામલે તપાસ બગસરા પીઆઇ જાડેજા
ચલાવી રહેલ છે.