– સાંજે 7.30 કલાકે કોલ આવતા શહેરભરની પોલીસને એલર્ટ કરાઇઃ લોકેશન ઉધના વિસ્તાર હોવાથી ટેક્નિકલ સર્વેલન્સ અને કોમ્બિંગ હાથ ધરી કોલર ને પકડયો
– છૂટક મજૂરી કરનારે શહેરમાં ભયનો માહોલ ઉભો કરવા તથા પોલીસને હેરાન કરવા કોલ કર્યાની કબૂલાત

સુરત

સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં રાતે 11.55 કલાકે શહેરમાં ત્રણ અલગ-અલગ ઠેકાણે બોમ્બ બ્લાસ્ટ થશે, રોક શકો તો રોક લો ની ધમકી આપતા નનામા કોલને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે ચારેક કલાકની જહેમતના અંતે શહેરમાં ભયનું વાતાવરણ ઉભું કરવા તથા પોલીસને હેરાન કરવાના બદ્દઇરાદે કોલ કરનાર પરપ્રાંતિય શ્રમિક ટીખળખોરને ઝડપી પાડયો હતો.

સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ગત સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં નનામો કોલ આવ્યો હતો. કોલ કરનારે રાત 11.55 કો સુરત શહેર મે તીન બોમ્બ બ્લાસ્ટ કરેગે, રોક શકો તો રોક લો એવી ધમકી આપી હતી. પખવાડિયા અગાઉ ડુમ્મસ રોડના વી.આર મોલ અને ત્યાર બાદ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાનના ગણતરીના કલાકો અગાઉ અમદાવાદ અને સુરતના દાંડી રોડની સ્કૂલમાં બ્લાસ્ટની ધમકીના નનામા મેઇલ આવ્યા હોવાથી કંટ્રોલ રૂમ દ્વારા બ્લાસ્ટની ધમકીના કોલને ગંભીરતાથી લઇ તુરંત જ ઉપરી અધિકારીઓને જાણ કરવાની સાથે સમગ્ર શહેરની પોલીસે એલર્ટ કરવામાં આવી હતી. જો કે કોલ કરનારનું લોકેશન ઉધના વિસ્તાર હોવાથી એસઓજી અને ક્રાઇમ બ્રાંચે ઉધના વિસ્તારમાં ધામા નાંખવાની સાથે ઉધના પોલીસ સાથે સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધર્યુ હતું. દરમિયાનમાં ચારેક કલાકની જહેમતના અંત્તે ટેક્નિકલ સર્વેલન્સના આધારે કંટ્રોલ રૂમમાં કોલ કરનાર અશોકકુમાર ફતેબહાદુર સીંગ (ઉ.વ. 35 રહે. ઉધના બીઆરસી નહેર પાસે, સુરત અને મૂળ. મંગરી, તા.મડીયાહુ, જી. જોનપુર, યુ.પી) ને ઝડપી પાડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં પરિણીત અને બે સંતાનનો પિતા અને પરિવાર વતનમાં રહે છે. સુરતમા ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરે છે અને શહેરમાં ભયનો માહોલ ઉભો કરવા તથા પોલીસને દોડાવવા માટે ટીખળ કરી હોવાની કબૂલત કરી છે.

બોમ્બની ધમકીના કોલ નંબરની તપાસમાં ભાંગરો વટાયો અને ડીંડોલીની મહિલાને ત્યાં પોલીસ પહોંચી

બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો નનામો કોલ પોલીસ કંટ્રોલમાં આવ્યો હતો. બ્લાસ્ટની ધમકીને કંટ્રોલ રૂમ દ્વારા ગંભીરતાથી લઇ તુરંત જ ઉપરી અધિકારીઓને જાણ કરવાની સાથે શહેરભરની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. જો કે કંટ્રોલ રૂમ દ્વારા બ્લાસ્ટની ધમકી ભર્યો કોલ જે નંબર ઉપરથી આવ્યો હતો તે નંબરને બદલે તે પહેલાનો નંબર પોલીસને આપ્યો હોવાથી લોકેશનના આધારે પોલીસ ટીમ ડીંડોલીની મહિલા કોલરને ત્યાં પહોંચી હતી. પોલીસે બોમ્બ બ્લાસ્ટની ધમકી અંગે કડકાઇ પૂર્વક પૂછપરછ કરતા મહિલા ચોંકી ગઇ હતી. મહિલાએ કંટ્રોલ રૂમમાં કોલ કર્યાનું કબૂલ તો કર્યુ હતું પરંતુ પતિ સાથે ઝઘડો થતા કોલ કર્યો હતો અને બોમ્બની ધમકી અંગે અજાણ છે. જેથી ડીંડોલી પોલીસે તુરંત જ કંટ્રોલ રૂમનો સંર્પક કરતા ધમકી ભર્યો કોલ જે નંબર ઉપરથી આવ્યો હતો તે નંબર બીજો હતો અને તેના આધારે તપાસ કરતા પોલીસ અશોક સીંગ સુધી પહોંચી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *