Ahmedabad: અમદાવાદમાં ચૂંટણીના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા. જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સને આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું છે. 

પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં આવેલા આર્મી કેન્ટોન્મેન્ટમાંથી બે પાકિસ્તાનીઓ દ્વારા આ ઇ-મેઇલ કરવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. બંને પાકિસ્તાનીઓના ફેસબુક તેમજ અન્ય સોશિયલ મિડીયા એકાઉન્ટની વિગતો પણ સામે આવી છે. ગત 6મેના રોજ અમદાવાદની 36 જેટલી શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇ-મેઇલ આવ્યા હતા. જેના પગલે સ્થાનિક પોલીસ સાથે બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડ ઉપરાંત, વિવિધ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જો કે  સ્કૂલોમાં તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી નહોતી.

આ સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશનર જી એસ મલિકે અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપી હતી. જેમાં સાયબર ક્રાઇમના અધિકારીઓ સહિતની ટીમ દ્વારા ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંધલે આ અંગે માહિતી આપતા કહ્યું કે  ઇ-મેઇલનું પાકિસ્તાન કનેક્શન પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મંગળવારે (સાતમી મેએ) અમદાવાદમાં મતદાન હોવાથી ભય ફેલાવવાના ઇરાદે આ ઇ-મેઇલ પાકિસ્તાનના ફૈસલાબાદથી આર્મી કેન્ટોન્મેન્ટમાંથી કરાવામાં આવ્યા હતા.  

આ માટે રશિયન ડોમેઇન પરથી ઇમેઇલ કરાયા હતા. આ ઇ-મેઇલ કરનાર પાકિસ્તાનના અદનાના તૌફિક લિયાકત અને હમાદ જાવેદ નામના બે આઇએઆઇ એજન્ટ મોટાપાયે ભારત વિરોધી પ્રવૃતિમાં કાર્યરત હતા. આ માટે તે ફેસબુક તેમજ સોશિયલ મિડીયાના અન્ય પ્લેટફોર્મથી ભારતમાં સપર્ક કરીને ઉશ્કેરણી કરવાનું કામ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.  ક્રાઇમબ્રાંચ સાથેની તપાસમાં અન્ય રાષ્ટ્રીય એજન્સીઓ જોડાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *