10th Board Exam Result : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10ની બોર્ડ પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરા શહેર અને જિલ્લાનુ 77.20 ટકા પરિણામ જાહેર થયુ છે. સમગ્ર ગુજરાતનું પરિણામ ઉંચુ આવ્યુ હોવાના કારણે વડોદરા શહેર અને જિલ્લાના પરિણામમાં પણ વધારો થયો છે.
ગત વર્ષે વડોદરાનું ધો.10નુ 62.24 ટકા પરિણામ આવ્યુ હતુ. તેની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 15 ટકા જેટલો વધારો થયો છે. વડોદરામાંથી 36169 વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષા આપી હતી અને આ પૈકી 1067 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવી છે. 27924 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ વડોદરાનું પરિણામ 77.20 ટકા જાહેર થયુ છે.
વડોદરાની 43 સ્કૂલો એવી છે જેનું 100 ટકા પરિણામ આવ્યુ છે અને માત્ર 2 સ્કૂલો એવી છે જેનું પરિણામ 10 ટકાથી નીચે રહ્યુ છે. 30 ટકાથી ઓછુ પરિણામ આવ્યુ હોય તેવી સ્કૂલોની કુલ સંખ્યા 13 જેટલી થવા જાય છે.
વડોદરા શહેર અને જિલ્લામાં સૌથી વધારે 90.6 ટકા પરિણામ વરણામા કેન્દ્રનું આવ્યું છે. સૌથી ઓછુ 56.40 ટકા પરિણામ રાયકા કેન્દ્રનું જાહેર થયું છે.