image : Freepik
Crime News Jamnagar : જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં પાન મસાલાની દુકાન ચલાવતા એક વેપારી યુવાન પર જૂની અદાલતના કારણે હુમલો કરી હાથ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામના પાટીયા પાસે પાન-બીડીની દુકાન ચલાવતા હાર્દિક અમૃતભાઈ ચાંદ્રા નામના 25 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા અને પાવડાના હાથા વગેરેથી હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખવા અંગે તેમ જ શરીરના અન્ય ભાગોમાં મૂઢમાર મારવા અંગે અલીયા ગામના અજયભાઈ રામાભાઈ મકવાણા, કિશન ભરતભાઈ મકવાણા, ઉત્તમ કાળુભાઈ તન્ના, અસલમ ડોસાણી અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન હાર્દિકને અગાઉ રામામંડળના કાર્યક્રમ દરમિયાન આરોપી અજય મકવાણા સાથે તકરાર થઈ હતી. જેનું મનદુઃખ રાખને ગઈકાલે તમામ આરોપીઓ ફરિયાદીની દુકાને આવ્યા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.
પંચકોશી એ. ડિવિઝનએ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.