અમદાવાદ, શુક્રવાર
રામોલમાં નિવૃત બેન્ક કર્મીને બે પુત્ર અને પિતાએ પાન મસાલાના હોલસેલના ધંધામાં રોકાણ કરશો તો સારુ વળતર મળશે કહીને રૃા. ૩૩.૪૫ લાખ પડાવ્યા હતા. જેમાં આરોપીએ ધંધા માટે લોન મેળવવા બેન્ક કર્મીનો સંપર્ક કરીને લોન લીધી હતી. બાદમાં તેમને વિશ્વાસમાં લઇને ધંધામાં રોકાણ કરાવીને છેતરપિંડી આચરી હતી. એટલું જ નહી બેન્ક કર્મીએ રૃપિયાની ઉઘરાણી કરતા તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બેન્ક કર્મચારીએ રૃપિયાની ઉઘરાણી કરતા વાયદા કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા બે પુત્રો અને પિતા સામે ફરિયાદ
નવરંગપુરામાં સીજી રોડ પર રહેતા અને બેન્કમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધે રામોલ પોલીસ સ્ટેશનમાં ન્યું મણિનગર રામોલમાં રહેતા પિતા તથા તેમના બે દિકરા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી બેન્કમાંથી નિવૃત થયા બાદ લોન કન્સ્લ્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા છે, ૨૦૨૧માં તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ પિતા-પુત્રોએ ફરિયાદીને સીટીએમ ખાતે આવેલ તેમની દુકાને બોલાવ્યા હતા અને લોનની વાત કરતા ફરિયાદીએ તેમને કુલ રૃા. ૮૫ લાખની અપાવી હતી. જે બાદ ત્રણેય જણાએ ફરિયાદીને વિશ્વાસમાં લઇને તેમના ધંધામાં રોકાણ કરશો તો સારું વળતર મળશે તેવી વાત કરી હતી.
જેથી ફરિયાદીને વિશ્વાસ આવતા તેમણે ટુકડે-ટુકડે કુલ રૃા. ૬૪ લાખનું રોકાણ કર્યું હતું. જો કે આરોપીઓએ ટુકડે-ટુકડે ફરિયાદીના પરિવારજનોને રૃા. ૩૦.૫૫ લાખ જમા કરાવ્યા હતા અને બાકીના રૃા. ૩૩.૪૫ લાખ આપ્યા ન હતા. અને તેનો નફો કે વળતર પણ આપ્યું ન હતું. આરોપીઓ પાસે રૃપિયાની ઉઘરાણી કરતા ત્રણેય શખ્સોએ વાયદા કરીને ધક્કા ખવડાવ્યા બાદ રૃપિયા માંગશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી જેથી આખરે કંટાળીને ફરિયાદ કરી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે પિતા-પુત્રો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.