આજે 11 મે સમગ્ર ભારતની આસ્થાનો દિવસ મહાદેવજીને 28 દેશની 108 નદીઓ, 15 મહાસાગરોના જળથી જળાભિષેક કરાયો હતો
પ્રભાસપાટણ, : ઘૂઘવતા અરબી સમુદ્રના કાંઠે બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવ શિવાલયમાં આજે એટલે કે તા. 11 મે 1951 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.એે દિવસે ગુજરાતી પંચાગ મુજબ વૈશાખ સુદ પાંચમ અને શકસંવત 1873 હતું ેઆજે આ પ્રસંગને યાદ કરીને સોમનાથ શિવાલયમાં ખાસ વિશેષ પુજા કરવામાં આવશે.
સોમનાથ મહાદેવ અને પ્રભાસક્ષેત્રને મધ્યમાં રાખી અનેક આદ્યાત્મિક અને ઐતિહાસિક ઘટનાઓ બની ચૂકી છે. આ ભૂમિમાં ભગવાન સોમનાથે ચંદ્રને કલંકમાંથી શાપમુકત કર્યો હતો. તો ભગવાન શ્રીકૃષ્ણે આ ભૂમિને જ દેહોત્સર્ગ માટે પસંદ કરી હતી. એક જમાને આ મંદિરની ભારે જાહોજલાલી હતી.આખુ મંદિર સુવર્ણમય હતુ.જે જાહોજલાલી હવે પાછી આવી રહી છે. આ મંદિરના ધ્વસ્ત અને નવનિર્માણ એમ સર્જન અને વિસર્જન પ્રક્રિયા વચ્ચે પણ સોમનાથ મહાદેવ શિવાલયનો સમગ્ર ભારતભરમાં ખુબજ દબદબો છે. હાલના ડિજિટલ યુગમાં લોકો રોજ રોજ મોબાઈલ ફોનના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન લાભ લઈ રહ્યા છે.
આ મંદિરના નવ નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો છે. એણે મંદિરની ગરિમા પરત લાવવા દરિયાકાંઠે જળ અંજલી લઈને નવનિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. એ પછી 11 મે ના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. એ દિવસ શુક્રવાર હતો.જે તે સમયમહાદેવજીને ભારતની 108 નદીઓ, સાત સાગરોના જળથીે જળાભિષેક કરાયો હતો.ે સવારે ૯-૪૬ મિનિટે પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. શાસ્ત્ર અનુસાર હીરા માણેક રત્નો નાંખવામાં આવ્યા હતા.રાજેન્દ્રબાબુએ ગર્ભગૃહમાં બેસીને સપત્ની પુજા કરી હતી. એ વખતે સુવર્ણ શલાકા સોનાની ચાર ઈંચની બારીક સળીથી ખાસ વિધિ કરવામાં આવી હતી. અને વેદમંત્રોથી શિવલિંગમાં પ્રાણ પૂર્યા હતા. અને એની સાથે દેવત્વ પ્રગટ થયું હતુ. આ જ સમયે આ સમયે સાગર પર રાખેલી નૌકાઓમાં જય સોમનાથના ગગનભેદી અવાજો ઉઠયા હતા. મંદીર નજીક 121 તોપોના ધડાકા સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આજે પણ આ મંદિરના ગર્ભગૃહને સુવર્ણમંડિત કરવામાં આવ્યું છે. દ્વારશાખ અને આગળના સ્તંભો ,નૃત્ય મંડપ,સભાગૃહના કળશો સુવર્ણજડિત બન્યા છે. મંદિર નાગર શૈલીના મહામેરૂપ્રસાદ દેવાલય છે. આ મંદિરને સાત માળ છે.