સુરતમાં રહેતા વતનપ્રેમીઓની મદદથી આદર્શ ગામનું નિર્માણ વરસાદનાં પાણીને રોકવા માટે 20થી 25 ડેમ ઊંડા ઉતાર્યા, નદીનાં પટમાં સરોવરનું નિર્માણ, શોભા વધારતા પ્રવેશદ્વાર
અમરેલી, : અમરેલીમાં આવેલું એક એવું ગામ કે જેને ત્યાંના લોકો પર્યટન સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે.ગામમાં હજારો વૃક્ષો વાવી અને ચેકડેમો બંધાવી ગામને હરિયાળી અને જળક્રાંતિ માટે વતન પ્રેમી દાતાઓ અને લોકોએ ટેક લીધી છે. પીપળવા ગામના લોકો માત્ર સરકારની ગ્રાન્ટો પર જ નિર્ભર રહેવાને બદલે લોકોની સહભાગિતા અને દાતાઓના સહકારથી ભંડોળ ભેગું કરી ગામને અનેક સુવિધાઓ આપી વિકાસ તરફ આગળ વધારવામાં આવી રહ્યું છે.
લાઠી તાલુકાના પીપળવા ગામ વિકાસ માટે હરણ ફાળ ભરી રહ્યું છે. એક જૂની છાપ ધરાવતું ગામડાએ વિકાસ તરફ હરણફાળ ભરી છે. આ નાનકડા ગામમાં થોડા સમયની અંદર જ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે.
ગામમાં ભવ્ય મુખ્ય પ્રવેશ દ્વારો બનાવવામાં આવ્યા છે. ઢસા કે લાઠી તરફથી પસાર થતા જ આ દ્વારા ગામની શોભા વધારી રહ્યા છે. તો ગામમાં મોક્ષધામ જેમાં પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર પણ દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યા છે. ટિફિનની સુવિધા પણ નિઃશુલ્ક રીતે પુરી પાડવામાં આવી રહી છે. જેનો લાભ વૃદ્ધો અને એકલવાયું જીવન જીવતા લોકો લઇ રહ્યા છે. તો ગાયોને નબળા વર્ષમાં ઘાસચારો પણ પૂરો પાંડવવામાં આવે વ્યવસ્થા ગોઠવાઇ છે.
અહીં ગામમાં લોકો અને ખેડૂતોને પાણી માટે કોઈ તકલીફ ન પડે. તે માટે દાતાઓના સહકારથી વહી જતા પાણીને રોકવા માટે 20 થી 25 ડેમોને ઊંડા કરી અંદાજે 16 એકર જમીનમાં આંબરડી સુધી નદીના પટમાં ભવ્ય સરોવરો બનાવવામાં આવી રહ્યા છે. તેમાં જીસીબી, ઇટાચી સહિતના મશીનો રાત દિવસ ધમધમી રહ્યા છે. ગામના સુરત ખાતે રહેતા વતન પ્રેમી દાતાઓએ છેલ્લા ૧ વર્ષમાં ૫ હજાર જેટલા વૃક્ષી વાવવામાં આવ્યા છે અને ટેક લીધી છે કે, ગામમાં વર્ષો સુધી વૃક્ષોનું વાવેતર અને તેની સંભાળ રાખવામાં આવશે અને ગામમાં હરિયાળી અને જળક્રાંતિ સર્જવામાં આવશે. તો ગામમાં પાણીના તળ ઉચ્ચા આવશે તેમજ અનેક વિકાસના કામોં કરવામાં આવી રહ્યા છે. જેથી ગામ પર્યટક સ્થળ તરીકે જોવા મળશે.