વાડીમાંથી ઘઉંનું કુંવળ કાઢવા બાબતે બોલાચાલી ભાગિયા પિતા-પુત્રે ખૂની ખેલ ખેલ્યો
વાડીમાલિક આધેડને મારી નાંખવા ધમકી, ઈજાગ્રસ્તે અમરેલી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન દમ તોડયો
ભાવનગર: ગઢડા તાલુકાના રસાનાળ ગામે વાડીમાંથી ઘઉંનું કુંવળ કાઢવા જેવી નજીવી બાબતમાં ભાગિયા પિતા-પુત્રે વાડીમાલિકને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. જ્યારે સમાધાન કરાવવા આવેલા વાડીમાલિકના કૌટુંબિક ભત્રીજાને પેટ અને હાથના ભાગે ભાલાનો ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખવા ભારે ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર પંથકમાં ચકચાર મચાવનારી ઘટનાની મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસાનાળ ગામે રાંદલ માતાજીના મંદિર પાસે રહેતા સુરેશભાઈ પરષોતમભાઈ સોજીત્રા (ઉ.વ.૪૫)ની ગામની સીમમાં આંબરડી રોડ પર સાત વીઘા ખેતીની જમીન આવેલ હોય, તે જમીન મગન મનજીભાઈ પાંચાણી અને તેના દીકરા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ગતિયો (રહે, બન્ને રસનાળ)ને અડધા ભાગે ભાગવી આપેલ હતી. આ જમીનમાં પિતા-પુત્રે ઘઉંનું વાવેતર કરેલું હતું અને હાલમાં ઘઉંનો પાક લીધા બાદ કુંવળ પડયું હોય, જે લેવાનું બાકી હતું. દરમિયાનમાં ગઈકાલે બુધવારે બપોરના સમયે સુરેશભાઈ સોજીત્રા તેમના કૌટુંબિક ભત્રીજા અશોકભાઈ ઘુસાભાઇ સોજીત્રાની વાડીએ મજૂરી કામ માટે જવા અશોકભાઈના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમના ભાગિયા જીતેન્દ્ર મગનભાઈ પાંચાણીએ ફોન કરીને તમે વાડીએ ઘઉંનું કુંવર કાઢવા માટે આવો એટલે કુંવળ નીકળી જાય તેમ કહેતા સુરેશભાઈએ પોતાની પાસે સમય ન હોય, મજૂર બોલાવી લેવાનું કહેતા જીતેન્દ્રે મજૂર શોધી આપવાનું કહ્યું હતું, આથી સુરેશભાઈએ મારી પાસે સમય નથી તમે મજૂર શોધી લેજો તેમ કહેતા શખ્સ ઉશ્કેરાઈ જઈ ફોન પર ગાળો દેવા લાગ્યો હતો. આ સમયે આધેડ તેમના કુટુંબી ભત્રીજા અશોકભાઈના ઘરે પહોંચતા ફોન પર માથાકૂટ ચાલી રહી હોવાથી તેમણે ફોનમાં જીતેન્દ્ર સાથે વાત કરતા તેને પણ ગાળો આપી વાડીએ બોલાવ્યા હતા. જેથી કાકા-ભત્રીજા બાઈક લઈ વાડીએ ગયા ત્યાં ઝાપાની અંદરના ભાગે જીતેન્દ્ર અને તેના પિતા મગન પાંચાણીએ ફરી ગાળો ભાંડવાનું શરૂ કરતા અશોકભાઈએ ગાળો નહીં આપવા સમજાવતા મગન પાંચાણીએ તેના દિકરા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ગતિયોને ઠોક, ઠોક તેમ કહીં ઉશ્કેરણી કરતા શખ્સે જાનથી મારી નાંખવા ધમકી આપી તેના હાથમાં રહેલા ભાલા વડે ભાલા જેવા હથિયારનો ઘા અશોકભાઈને ઝીંકી દેતા તેમને હાથના ભાગે ચીરો પડી ગયો હતો અને પેટના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે પ્રથમ ઢસા અને ત્યારબાદ અમરેલીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સાંજના સમયે શરૂ ઓપરેશન દરમિયાન તેમનું મૃત્યુ થતાં સામાન્ય બાબતે થયેલી માથાકૂટનો મામલો હત્યામાં પરિણમ્યો હતો.
આ બનાવ અંગે સુરેશભાઈ પરષોતમભાઈ સોજીત્રાએ તેમના ભાગિયા પિતા-પુત્ર મગન મનજીભાઈ પાંચાણી અને જીતેન્દ્ર ઉર્ફ જીતુ ઉર્ફે ગતિયો પાંચાણી સામે ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૫૦૬ (૨), ૫૦૪, ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી નાસી છુટેલા હત્યારા પિતા-પુત્રને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
લોહીની ધાર વહેતી રહી છતાં ગામની સીમ સુધી બાઈક ચલાવી
કૌટુંબીક કાકાને તેમના ભાગિયા પિતા-પુત્ર વાડીએથી ઘઉંનું કુંવળ કઢાવવા મજૂર શોધવા મામલે ગાળો દેતા હોવાથી અશોકભાઈ બન્ને પક્ષની સમાધાન કરાવવા વાડીએ ગયા હતા. ત્યાં પિતાની ઉશ્કેરણીથી શખ્સે અશોકભાઈને પેટમાં ઊંડે સુધી ભાલાનો ઘા જીંકી દેતા તેઓના પેટના ભાગેથી નદીની જેમ લોહીથી ધાર વહેવા લાગી હતી. તેમ છતાં હિંમત ન હારી અશોકભાઈ ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે હોસ્પિટલ જવા માટે પોતાની બાઈક ચલાવી પાછળ કુટુંબી કાકા સુરેશભાઈને બેસાડયા હતા. એક હાથે તેમણે પેટના ભાગે જ્યાં ભાલુ વાગી જતાં મોટો ચીરો પડી ગયો તેને એક હાથેથી દબાવી રાખી બાઈક ચલાવી હતી. ત્યારબાદ સુરેશભાઈએ બન્ને હાથેથી ઈજાવાળી જગ્યાને દબાવી રાખતા અશોકભાઈએ શરૂ બાઈકે તેમના ભાઈ રમેશભાઈને ફોન કરી મોટી ગાડી લઈ આવવાનું કહીં ગામના પાદર સુધી બાઈક ચલાવી હતી. પાદરમાં પહોંચ્યા ત્યારે વધુ પડતું લોહી વહી જતાં તેઓ બેભાન થઈ ઢળી પડયાં હતા.
પોણા ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું છતાં જીવ ન બચ્યો
ગંભીર ઈજા પામેલા અશોકભાઈને વધુ સારવાર માટે અમરેલીમાં ડો.ધડુકની ગુણાતિત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું એમઆરઆઈ કરાવવામાં આવતા પેટમાં વધારે અંદરના ભાગે ઈજા થઈ હતી. સાથે લોહીથી પણ વધું નીકળી ગયું હોવાથી તાત્કાલિક ઓપરેશનની જરૂર જણાતાં સાંજે ચાર કલાકે અશોકભાઈને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. અહીં પોણા ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું છતાં તેમનો જીવ બચાવી શકાયો ન હતો. પેટમાં ભાલુ મારી દેવાના ત્યાં ૧૯ ટાંકા પણ લેવા પડયા હતા. યુવકનું મોત થતાં તેમના મૃતદેહનું અમરેલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરાયું હતું.