અમદાવાદ,ગુરુવાર,9 મે, 2024
અમદાવાદમાં હાલ અલગ અલગ સ્થળે ટાઉન પ્લાનિંગ કચેરીઓ આવેલી
છે.તમામ કચેરીઓ અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એક સ્થળે બેસી કામગીરી કરી શકે એ માટે
નવરંગપુરા વોર્ડમાં રુપિયા ૫૦ કરોડના ખર્ચે દસ માળનું અર્બન હાઉસ બનાવવામાં
આવશે.સિંગલ વિન્ડો કલીયરન્સ હેઠળ કામગીરી શકય બનાવવાના હેતુથી અર્બન હાઉસ બનાવાશે.
બાંધકામની પરવાનગી સહિતની ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી એક સ્થળેથી થઈ શકશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૨૪-૨૫ના મંજૂર કરવામાં
આવેલા બજેટમાં સત્તાધારી પક્ષ તરફથી મુકવામાં આવેલી ૬૫ દરખાસ્ત પૈકી કયા કામની શું
સ્થિતિ છે જેવી અન્ય બાબતોને લઈ મેયરની અધ્યક્ષતામાં બજેટ રીવ્યૂ બેઠક મળી
હતી.શહેરમાં ટી.પી.સ્કીમના અમલ,
ઝોનિંગ સર્ટિફિકેટ ઉપરાંત જમીન,મકાનની વિવિધ
પરવાનગી મેળવવા માટેની કચેરીઓ અલગ અલગ સ્થળે આવેલી છે.નવરંગપુરા વોર્ડમાં ૮૩૨૬
ચોરસ મીટરના પ્લોટમાં બે બેઝમેન્ટ સાથે ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત નવ માળનુ અર્બન હાઉસ
બનાવાશે.ગ્રાઉન્ડ ફલોર ઉપર ઈલેકશન કમિશન માટે સ્ટ્રોંગ રુમ બનાવાશે.અન્ય ફલોર ઉપર
સીટી પ્લાનિંગ, ટી.ડી.ઓ.વિભાગ, નગર રચના અધિકારી
ઓફિસ તેમજ બિલ્ડિંગ પ્લાન સ્કુટીની પુલ ઓફિસ,
રેકર્ડ રુમની સાથે ઉચ્ચ અધિકારીઓની કચેરી બનાવાશે. બે બેઝમેન્ટમાં ૩૧૬ ફોર વ્હીલર તથા ૨૧૦ ટુ
વ્હીલર પાર્ક કરી શકાય એ માટે પાર્કિંગ બનાવાશે.