Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી ધીમે ધીમે વડાપ્રધાન મોદીના હાથમાંથી છૂટી રહી છે. તેમનો પરાજય નિશ્ચિત છે. આ કારણથી જ તેઓ ખોટા પ્રચારથી લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે. દેશમાં 4 જૂને ‘ઈન્ડિયા’ ગઠબંધનની સરકાર બનશે. આ સાથે જ ૩૦ લાખ સરકારી પદો પર ભરતી શરૂ કરાશે. બીજીબાજુ અયોધ્યામાં રામ મંદિર પર કોંગ્રેસ ‘બાબરી લોક’ લગાવી દેશે તેવા પીએમ મોદીના આક્ષેપોને પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખોટા ગણાવ્યા હતા અને કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરાશે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે, છેલ્લા 10 વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપિત ગૌતમ અદાણીને પોર્ટ, એરપોર્ટ અને સંરક્ષણ કરારો જેવા અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સોંપી દીધા. વડાપ્રધાને આખા દેશમાં માત્ર ૨૦-૨૨ લોકો માટે જ કામ કર્યું અને તેમને અબજપતિ બનાવી દીધા. પીએમ મોદીએ અનામત ખતમ કરવા માટે અનેક સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી દીધું. ભાજપ અનામત ખતમ કરવા માગે છે જ્યારે કોંગ્રેસ તેને 50 ટકાથી વધારવા માગે છે.
રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી હારી રહ્યા છે. તેથી તેઓ ખોટા નિવેદનો કરીને લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે. તેમણે યુવાનોને વડાપ્રધાનના ભાષણોથી વિચલિત નહીં થવાનો આગ્રહ કરતા કહ્યું કે યુવાનો દેશની સાચી તાકાત છે. આ લોકસભા ચૂંટણી પછી પીએમ મોદી વડાપ્રધાન નહીં રહે. ૪ જૂૂને મત ગણતરી પછી ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. સરકાર બન્યાના ત્રણ મહિનાની અંદર 30 લાખ સરકારી પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરાશે.
દરમિયાન કોંગ્રેસ સત્તા પર આવ્યા પછી અયોધ્યામાં રામ મંદિરને ‘બાબરી તાળું’ મારી દેશે તેવા પીએમ મોદીના આક્ષેપોને પ્રિયંકા ગાંધી વાડ્રાએ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી એકદમ ખોટું બોલી રહ્યા છે. અમે રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરીશું.
આ સાથે તેમણે કહ્યું વડાપ્રધાન કોઈપણ ટીપ્પણી કરતા પહેલં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વાંચી લેવો જોઈએ. દેશમાં મુસ્લિમોની વસતીમાં વધારા અંગેના મુદ્દાને પ્રિયંકાએ મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાનો મીડિયાનો ‘ડ્રામા’ ગણાવ્યો હતો. તેમણે બેરોજગારી, ફુગાવો, મહિલાઓ પર અત્યાચાર અને ખેડૂતોની સમસ્યાઓને મુખ્ય મુદ્દા ગણાવ્યા હતા.