GSEB 12th Board Result Gujarat : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષાનુ પરિણામ આખરે જાહેર કરવામાં આવ્યુ છે. વડોદરા શહેર અને જિલ્લાનું 82.50 ટકા જેટલુ ઉંચુ પરિણામ આવ્યુ છે. ગત વર્ષ કરતા પરિણામમાં 17 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 65.34 ટકા પરિણામ આવ્યુ હતુ. સતત આઠ વર્ષથી વડોદરાનુ પરિણામ નીચું જતુ હતું પણ આ વર્ષે પરિણામની ટકાવારી વધી છે.
વડોદરા શહેર અને જિલ્લામાંથી 6399 વિદ્યાર્થીઓએ ધો.12 સાયન્સની પરીક્ષા આપી હતી. 6399 પૈકીના 5264 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 1135 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં દસ કેન્દ્રો પર ધો.12 સાયન્સની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ડભોઈ, માંડવી, સયાજીગંજ, ફતેગંજ, અટલાદરા, ઈન્દ્રપુરી, રાવપુરા, સમા, માંજલપુર અને પાદરાનો સમાવેશ થતો હતો.
વડોદરા શહેર જિલ્લાના દસ કેન્દ્રો પૈકી સૌથી વધારે 88.75 ટકા પરિણામ ફતેગંજ કેન્દ્રનુ અને સૌથી ઓછુ 63 ટકા પરિણામ ડભોઈ કેન્દ્રનું આવ્યું છે. ગત વર્ષે પણ સૌથી વધુ પરિણામ ફતેગંજ અને સૌથી ઓછુ પરિણામ ડભોઈ કેન્દ્રનું રહ્યું હતું.
વડોદરા શહેર જિલ્લામાં 2015 બાદ પરિણામમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. 2015માં વડોદરાનુ 89.71 ટકા પરિણામ આવ્યુ હતું, જોકે આ વર્ષે પરિણામની ટકાવારી ઘટવાનો સિલસિલો અટકયો છે. આ વખતે પરિણામમાં 17 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.