GSEB 12th Board Result Gujarat : માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12ના સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાના આજે જાહેર કરાયેલા પરિણામમાં વડોદરા શહેર-જિલ્લાનુ નિયમિત વિદ્યાર્થીઓનુ 85.23 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વખતે સમગ્ર રાજ્યનુ સામાન્ય પ્રવાહનુ પરિણામ 91.93 ટકા જાહેર થયુ છે અને તેની અસર વડોદરાના પરિણામ પર દેખાઈ છે. 2017 બાદ વડોદરા શહેર જિલ્લાનુ આ સૌથી ઉંચુ પરિણામ છે.
આ વર્ષે પણ એકંદરે પેપરો સરળ નિકળ્યા હતા. અને તેની અસર પણ પરિણામ પર દેખાઈ છે. ગત વર્ષે વડોદરા શહેર અને જિલ્લાનુ 67.19 ટકા પરિણામ હતું. તેમાં આ વખતે 18 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વડોદરામાંથી 14658 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 12577 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને માત્ર 2181 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 2021માં તો કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતુ પણ તેના પહેલા 2020માં વડોદરાનુ સામાન્ય પ્રવાહનુ પરિણામ 71.03 ટકા આવ્યુ હતુ. જ્યારે 2022માં વડોદરાનુ પરિણામ 76.49 ટકા હતુ. જોકે આ વખતે પરિણામે વડોદરાના જૂના રેકોર્ડ તોડી નાંખ્યા છે.
વડોદરા શહેરના 10 કેન્દ્રોના પરિણામની સરખામણી કરવામાં આવે તો સૌથી વધુ 89.16 ટકા પરિણામ પ્રતાપનગર કેન્દ્રનું અને સૌથી ઓછું ઈન્દ્રપુરી કેન્દ્રનું 81.33 ટકા પરિણામ જાહેર થયુ છે. સામાન્ય પ્રવાહના રેકોર્ડ બ્રેક પરિણામની ચર્ચા શૈક્ષણિક આલમમાં કેન્દ્ર સ્થાને રહી હતી.