3 લોકસભા બેઠક માટેની મતદાર નોંધણી ધાર્યા કરતાં ઓછી : આઠ બેઠક હેઠળ સરેરાશ દર 100 વ્યક્તિમાંથી 67 મતદારઃ કચ્છ મતક્ષેત્રનો ઈલેક્ટર્સ ટુ પોપ્યુલેશન રેશિયો સૌથી નીચો
રાજકોટ, : વસતી ગણતરી તો વર્ષોથી ઠેબે ચડતી આવી છે, પરંતુ હાલની અંદાજિત વસતી મુજબ ક્યાં કેટલાં મતદારો નોંધાયેલાં હોવા જોઈએ તેનો તાગ ઈલેક્ટર્સ ટુ પોપ્યુલેશન રેશિયો પરથી મેળવાતો હોય છે. તદ્દનુસાર, કચ્છ- સૌરાષ્ટ્રની લોકસભામાંની આઠ બેઠકો પૈકી રાજકોટ, જામનગર અને પોરબંદર બેઠક હેઠળના વિસ્તારોમાં ત્યાંની અંદાજિત વસતી સાપેક્ષ મતદાર નોંધણી ચૂંટણીતંત્રનાં અનુમાન કરતાં હજુ ઓછી છે.
આઠે’ય બેઠક હેઠળના વિસ્તારોમાં સરેરાશ દર 100 વ્યક્તિમાંથી 67ને મતાધિકાર મળેલો છે. આ એવાં લોકોની સંખ્યા છે જેમની ઉમર તો 18 વર્ષ કે તેથી વધુની છે જ, બલ્કે તેમણે પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી દઈને જાગૃતિ દાખવી છે. હાલની વસતીનો અંદાજ જો સાચો માનવામાં આવે તો એમાંનાં વયજૂથ પ્રમાણેની વસતી જોતાં 18 પ્લસ લોકો પૈકી હજુ અનેકે મતદાર તરીકે નામ નોંધાવવાનું મુનાસિબ નથી માન્યું.
આ આઠ લોકસભા મતક્ષેત્ર હેઠળના જે- તે વિધાનસભા વિસ્તારની અનુમાનિત વસતી સામે ત્યાંની મતદાર યાદીમાં નોંધાયેલી સંખ્યાનાં પ્રમાણ (ઈલેક્ટર્સ ટુ પોપ્યુલેશન રેશિયો) પર ઊડતી નજર નાખતાં સ્પષ્ટ બને છે કે મતદારયાદીમાં દર 100 પુરૂષોની વસતીમાંથી પુરૂષોની ન્યુનત્તમ નામનોંધણી વિધાનસભાના માંડવી મતવિસ્તારમાં (54.59) અને મહત્તમ ધંધુકામાં (73.84), મહિલાઓની લઘુત્તમ નામનોંધણી રાજકોટ દક્ષિણ જેવા શહેરી મતક્ષેત્રમાં (57.86) અને ગુરૂત્તમ રાજકોટ ગ્રામ્યમાં (77.22) તેમજ સ્ત્રી- પુરૂષ મળીને એકંદર સૌથી ઓછી નામનોંધણી ગાંધીધામમાં (57/90) અને સૌથી વધુ રાજકોટ ગ્રામ્યમાં (74.38) છે.
મતદાર તરીકે નોંધાવાપાત્ર લોકો પૈકી મહત્તમ લોકો મતદારયાદીમાં નામ નોંધાવીને મતાધિકાર મેળવે એ માટે ચૂંટણીતંત્ર સ્વીપ (સીસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટર્સ પાર્ટિસિપેશન) અંતર્ગત જાગૃતિલક્ષી અનેક પ્રયાસો કરતું હોવાના દાવા અને દાખડા વચ્ચે અંદાજિત વસતી મુજબ હોવા જોઈતા મતદારો (સેન્સસ ઈપી રેશિયો) કરતાં વાસ્તવમાં થયેલી નામનોંધણી રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હજુ ઓછી હોવાનું સરકારી આંકડા પરથી સ્પષ્ટ બને છે.