– અયાન મુખર્જીનું હાલ વોર-ટુ પર જ ફોક્સ
– બ્રહ્માસ્ત્રની સિકવલ પડતી મૂકાઈ હોવાની અફવાઓનો ઈનકાર
મુંબઇ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ની સિકવલ પડતી મૂકાઈ નથી પરંતુ આવતાં વર્ષથી તેનું શૂટિંગ શરુ થશે તેમ જાણવા મળ્યું છે. ‘બ્રહ્માસ્ત્ર’ની મૂળ વાર્તામાં જ તેની સિકવલનો ઈશારો આપી દેવાયો હતો. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવાશે તેવું અગાઉ જ જાહેર કરાયું હતું. જોકે, થોડા સમય પહેલાં એવી અફવા પ્રસરી હતી કે બજેટના પ્રશ્નોના કારણે આ સિકવલ પાછી ઠેલાઈ ગઈ છે અને તે કદાચ હવે બનાવાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. જોકે, ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આ અફવાઓમાં કોઈ દમ નથી. ‘બ્રહ્માસ્ત્ર’ની સિકવલ બનવાની છે એ હકીકત છે. અયાન મુખર્જી હાલ ‘વોર ટૂ’માં વ્યસ્ત છે. તે પછી તરત જ તે આ સિકવલનું કામ શરુ કરી દેશે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરુ કરી દેવાશે.
‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ શરુ થયા બાદ કોરોના સહિતનાં કારણોને લીધે બહુ લંબાઈ ગઈ હતી અને મૂળ જાહેરાતનાં સાત વર્ષ બાદ રીલીઝ થઈ હતી. જોકે, સિકવલમાં આટલો વિલંબ નહિ થાય અને મોટાભાગે ૨૦૨૬ સુધીમાં જ તે રીલિઝ કરી દેવાશે તેવો દાવો કરવામાં આવી રહ્યા છે.
‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ રણબીર અને આલિયા માટે બહુ ખાસ છે કારણ કે આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન જ બંને પ્રેમમાં પડયાં હતાં.