(પીટીઆઇ)     ટોરેન્ટો, તા. ૩

કેનેડામાં ઓંટારિયો પોલીસની એક કાર દારૃની એક દુકાનમાંથી
ચોરી કરનાર ચોરને પકડવા માટે રોંગ સાઇડ પર આવી જતાં અનેક કારો ટકરાઇ હતી જેમાં
કેનેડા  ફરવા ગયેલા ભારતીય દંપતિ અને તેમના
ત્રણ મહિનાના પૌત્ર સહિત ચાર લોકોનાં મોત થયા હતાં.

ટોરેન્ટોથી  ૫૦ કિમી
પૂર્વમાં વ્હાઇટબાયમાં હાઇવે નં. ૪૦૧ પર થયેલા અકસ્માતમાં અનેક વાહનો ક્ષતિગ્રસ્ત
થવાની સાથે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં તેમ પોલીસે એક નિવેદનમાં
જણાવ્યું છે.

ઓન્ટારિયોના સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન યુનિટ (એસઆઇયુ)એ
જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં ૬૦ વર્ષીય પુરુષ
, ૫૫ વર્ષીય મહિલા
પણ સામેલ છે જે ભારતથી આવ્યા હતાં. જો કે મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

એસઆઇયુએ જણાવ્યું હતું કે દંપતિનો ત્રણ મહિનાના પૌત્રનું પણ
આ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત પછી કલાકો સુધી હાઇવે નં. ૪૦૧ બંધ રહ્યો હતો.

એજન્સીએ જણાવ્યું હતું કે બાળકના ૩૩ વર્ષીય પિતા અને ૨૭
વર્ષીય માતાની કારને પણ આ અકસ્માત નડયો હતો અને તેમને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યા છે. એસઆઇયુના જણાવ્યા અનુસાર માતાની સ્થિતિ ગંભીર છે.

મીડિયાના અહેવાલ મુજબ આ અક્સ્માતમાં દારૃની દુકાનમાંથી ચોરી
કરનાર ચોરનું પણ મોત થયું છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા છ વાહનો એકબીજા સાથે ટકરાયા
હતાં.

 

 

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *