Image:Twitter 

ICC Rankings Update: ભારત છેલ્લા કેટલાક મહિનાથી T20 મેચો જ વધુ રમી રહી છે અને તાજેતરમાં મોટાભાગના ખેલાડીઓ IPLમાં વ્યસ્ત છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શુક્રવારે 3 મેના રોજ ટેસ્ટ, ODI અને T20 રેન્કિંગનું વાર્ષિક અપડેટ જાહેર કર્યું છે. ODI અને T20માં ભારતનો દબદબો યથાવત છે અને ટીમ ઈન્ડિયા આ બંને ફોર્મેટમાં પ્રથમ સ્થાન પર છે પરંતુ આ નવી યાદીમાં ભારત પાસેથી ટેસ્ટની નંબર-1 ટીમનો તાજ છીનવાઈ ગયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઇનલમાં ભારતને હરાવનાર ઓસ્ટ્રેલિયન ટીમે હવે ટેસ્ટમાં શીર્ષ સ્થાને પહોંચી છે.

ICCના આ વાર્ષિક અપડેટ પછી ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં 124 રેટિંગ ધરાવે છે, જ્યારે ભારત 120 રેટિંગ સાથે બીજા સ્થાને ખસક્યું છે. ઈંગ્લેન્ડ 105 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય ટેસ્ટ રેન્કિંગમાં ચોથાથી નવમા સ્થાને કોઈ પણ પ્રકારનો ફેરફાર આ નવીનતમ યાદીમાં થયો નથી. દક્ષિણ આફ્રિકા (103) ચોથા ક્રમે, ન્યૂઝીલેન્ડ (96) પાંચમા, પાકિસ્તાન (89) છઠ્ઠા, શ્રીલંકા (83) 7માં, વેસ્ટ ઈન્ડિઝ (82) 8માં અને બાંગ્લાદેશ (53) 9મા ક્રમે છે.

મે 2021 પછી તમામ ટીમોના પ્રદર્શનની અસર આ રેન્કિંગમાં જોવા મળી રહી છે. મે 2021 અને મે 2023 વચ્ચેના તમામ પરિણામોને 50 ટકા વેઇટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે આગામી 12 મહિનામાં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીત સહિતની મેચો સાથે 100 ટકા વેઇટિંગ આપવામાં આવ્યું છે.

વનડેમાં ભારતનો દબદબો :

ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1નો તાજ ગુમાવનાર ટીમ ઈન્ડિયાએ મર્યાદિત ઓવરના ક્રિકેટના બંને ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ODI રેન્કિંગ વિશે વાત કરીએ તો લેટેસ્ટ અપડેટ સાથે ભારત 122 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા 116 રેટિંગ સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકા 112 રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયાની નજીક આવી ગયું છે અને ત્રીજા સ્થાને છે. પાકિસ્તાન 106 અને ન્યુઝીલેન્ડ 101 રેટિંગ સાથે ટોપ-5માં છે.

આ યાદીમાં ઈંગ્લેન્ડ (95) છઠ્ઠા સ્થાને, શ્રીલંકા (93) સાતમા, બાંગ્લાદેશ (86) આઠમા, અફઘાનિસ્તાન (80) નવમા અને વેસ્ટ ઈન્ડિઝ (69) દસમા સ્થાને છે.

ટી20માં પણ ભારતનું વર્ચસ્વ :

ICCના વાર્ષિક અપડેટમાં ભારત 264 રેટિંગ સાથે T20 રેન્કિંગમાં ટોચના સ્થાને છે. અહીં પણ ઓસ્ટ્રેલિયા 257 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબરે આવેલી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 રેટિંગનો તફાવત છે. ઈંગ્લેન્ડ 252 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે.

દક્ષિણ આફ્રિકા (250) છઠ્ઠાથી ચોથા સ્થાને બે સ્થાનની છલાંગ લગાવી છે અને તે ઈંગ્લેન્ડથી માત્ર બે રેટિંગ પાછળ છે, જ્યારે પાકિસ્તાન (247) બે સ્થાન નીચે સર્કયું છે અને હવે તે સાતમા સ્થાને છે. સ્કોટલેન્ડ (192) ઝિમ્બાબ્વે (191)ને પાછળ છોડીને 12મા સ્થાને પહોંચી ગયું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *