હડાળાના દંપતીએ છતર નજીક પગલું ભરી લીધું

આપઘાત પાછળના કારણ અંગે રહસ્ય, વ્યાજખોરોના કારણે પગલું ભર્યાની માહિતી પોલીસ સુધી પહોંચી

રાજકોટ: રાજકોટ નજીકના હડાળા ગામે રહેતાં નિલેશભાઈ મનસુખભાઈ ખુંટ (ઉ.વ.૪પ) અને તેના પત્ની ભારતીબેન (ઉ.વ.૪૩)એ આજે બપોરે ટંકારાના છતર ગામમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. મૃતક દંપતીનો એકલૌતો પુત્ર મિલન રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં આવેલી સ્પેશ્યલ બ્રાંચમાં એલઆરડી તરીકે નોકરી કરે છે. જોકે કયાં કારણથી મૃતક દંપતીએ આ પગલું ભર્યું તે વિશે પોલીસને પ્રાથમિક તપાસમાં કોઈ માહિતી મળી નથી. 

હડાળા ગામ હવે રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથકની હદમાં આવે છે. આજે બપોરે નિલેશભાઈ અને તેના પત્ની ભારતીબેને છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળા નજીક ઝેરી દવા પી લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિલેશભાઈનું તત્કાળ મોત નિપજયું હતું. જયારે ભારતીબેનને ૧૦૮માં રાજકોટની સિવીલમાં ખસેડાયા હતા. જયાં ટૂંકી સારવાર બાદ  દમ તોડી દીધો હતો. જાણ થતા ટંકારા પોલીસ સિવીલે દોડી આવી હતી. 

પોલીસે મૃતક દંપતીના પુત્ર એલઆરડી મિલનની પૂછપરછ કરી હતી. પરંતુ તેણે હાલમાં કોઈ કારણ જણાવ્યું નથી. આમ છતાં પોલીસ પાસે વ્યાજખોરોને કારણે આ પગલું ભરી લીધાની માહિતી પહોંચી છે.  જેમાં કેટલું તથ્ય છે તે મિલનના નિવેદન પછી જ સ્પષ્ટ થશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મિલન સ્પેશ્યલ બ્રાંચમાં હાલ જે ચૂંટણી સેલ શરૂ કરવામાં આવ્યો છે તેમાં ફરજ બજાવે છે. આજે સવારે તે ફરજ પર હાજર હતો. બપોરે સમાચાર મળતાં જતો રહ્યો હતો. તે માતા-પિતાનો એકલૌતો પુત્ર હોવાની પણ માહિતી મળી છે. 

ટંકારા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *