– આરક્ષણ રદ કરવાના ઈરાદાના વિપક્ષના આક્ષેપો ફગાવ્યા
– અમે કોંગ્રેસ જેમ આતંક માટે ડોઝિયર નથી મોકલતા, આતંકીઓને ઘરમાં ઘૂસીને મારીએ છીએ
મુંબઈ : સમાજના દબાયેલા અને કચડાયેલા પછાત વર્ગોને સામાજિક ન્યાય અપાવવાની જવાબદારી એ આપણા પૂર્વજોએ આચરેલાં પાપનું પ્રાયશ્ચિત છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. ભાજપ સરકાર અનામત નાબૂદ કરવા માગે છે તેવા વિપક્ષના આરોપને ફગાવતાં કહ્યું હતું કે હું મારો પાછલાં વર્ષોનો રેકોર્ડ જોઈ જુઓ, હું ક્યારેય અનામત નાબૂદીની દિશામાં આગળ વધ્યો નથી અને વધવાનો પણ નથી. મહારાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર કરતાં વડાપ્રધાન મોદીએ એમ જણાવ્યું હતુ કે કોંગ્રેસ શાસનની સરખામણીએ પાછલાં દસ વર્ષમાં ત્રાસવાદ સામે કામ પાર પાડવાના ભારતના અભિગમમાં ધરખમ પરિવર્તન આવી ગયું છે. હવે અમે ત્રાસવાદ પર કોઈ ડોઝિયર મોકલતા નથી પરંતુ આતંકીઓના ઘરમાં ઘૂસીને તેમને મારીએ છીએ એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી સભાને સંબોધતાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં સોલાપુરમાં ચૂંટણી સભા સંબોધતાં વડા પ્રધાને જણાવ્યું કે બાબાસાહેબ આંબેડકર જીવિત હોત તો તેઓ પણ હવે આરક્ષણ ન હટાવી શકત. તેમણે એસસી, એસટી અને ઓબીસી સહિત તમામ વંચિતો માટે આરક્ષણ નીતિ જાળવી રાખવા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સાતારા ખાતે પણ વડા પ્રધાને ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે કર્ણાટકની જેમ સમગ્ર રાષ્ટ્રમાં ધાર્મિક ધોરણે આરક્ષણ આપવાની કોંગ્રેસની નીતિ સફળ નહિ થવા દેવાય.
દલિતો તેમજ અન્ય પછાત જાતિઓના ઉત્થાન માટે એનડીએ સરકાર દ્વારા હાથ ધરાયેલી યોજનાઓને ટાંકતા વડા પ્રધાને દાવો કર્યો હતો કે છેલ્લા એક દાયકામાં ૨૫ કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા હતા. વડા પ્રધાને દાવો કર્યો હતો કે જો નિયત સારી હોય તો યોજનાઓના પરિણામ પણ સકારાત્મક આવે છે.
વડાપ્રધાને લાતુરમાં કહ્યુ ંહતું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રોજ એવા સમાચારો જોવા મળતા હતા કે સરકારે પાકિસ્તાનને ત્રાસવાદી પ્રવૃત્તિઓ બાબતે ડોઝિયર મોકલ્યું છે. મીડિયાના કેટલાક મિત્રોઆવાં ડોઝિયર મોકલાય તેને પણ વધાવતા જોવા મળતા હતા. પરંતુ, હવે ભાજપ આવાં ડોઝિયર મોકલતું નથી. આજે ભારત આતંકીઓને ઘરમાં ઘૂસીને મારે છે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈન્ડિયા સંગઠનના પક્ષોએ દર વર્ષે વડાપ્રધાન બદલાવામાં આવે તેવી ફોર્મ્યૂલા તૈયાર કરી છે. આવી રીતે સરકાર ચાલે તો સુશાસનની અપેક્ષા રાખી શકાય તેમ ખરી તેવો સવાલ તેમણે કર્યો હતો.
કેટલાક લોકો વડાપ્રધાન પદના પણ હપ્તા બનાવવાના છે. તેઓ દર વર્ષે વડાપ્રધાન બદલવાના છે. તેમણે કહ્યું હતું કે હું જ્યારે એક ભારત શ્રેષ્ઠ ભારત એમ ઉચ્ચારું છું ત્યારે કોંગ્રેસના યુવરાજને તાવ આવી જાય છે.