– સર્વોત્તમ ડેરીના નિયામક મંડળની મીટીંગમાં નિર્ણય લેવાયો
– ભાવનગર જિલ્લાના દૂધ ઉત્પાદક ખેડૂતો માટે બુધવારથી ભાવ વધારો અમલી બનશે
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને તાજેતરમાં નિયામક મંડળની મીટીંગ મળી હતી. જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરાયા હતા.બાદ દૂધના ખરીદભાવ અંગે ચર્ચા થતા હાલ ઉનાળાની ગરમીના કારણે પશુની દૂધ ઉત્પાદકતામાં થયેલા ઘટાડાને ધ્યાનમાં લઈને તથા ઘાસચારો અને દાણની મોંઘાઈ વધતા તેમજ પશુપાલન વ્યવસાય વધારે નફાકારક બને, ખેતીની આવક હાલ બંધ થવાના કારણે તેમજ સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઉંચુ આવે તેવા આશયથી દૂધના ખરીદભાવમાં વધારો કરાયો છે. હાલ કિલોફેટે રૂા ૭૯૦ ચૂકવાઈ રહ્યા છે તેમાં રૂા ૨૦ નો વધારો કરી છેલ્લા દોઢેક વર્ષથી દૂધના વેચાણભાવમાં કોઈપણ જાતનો વધારો કર્યા વિના દૂધના ખરીદભાવમાં સતત ત્રીજી વખત આગામી તા.૧-૫ થી અમલમાં આવે તે રીતે ખરીદ ભાવ રૂા ૮૧૦ કરવાના નિર્ણયથી પશુપાલકોમાં આનંદની લાગણી જન્મી છે.