– મોટા વરાછા વર્ણીપ્લાઝા બિલ્ડીંગ નીચેથી રાજકોટના ખેડૂત અને તેને આઈડી-પાસવર્ડ આપનાર નાના વરાછાનો રત્નકલાકાર ઝડપાયો

– વેડ દરવાજા પાસેથી બે શ્રમજીવીને ઝડપી લીધા : પોલીસે રૂ.37 હજારની મત્તાના ચાર મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.54,510 નો મુદ્દામાલ કબજે કર્યો

સુરત, : સુરતની ઉત્રાણ અને લાલગેટ પોલીસે મોટા વરાછા અને વેડ દરવાજામાં ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા અને રમાડતા ચારને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.37 હજારની મત્તાના ચાર મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.54,510 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉત્રાણ પોલીસે મળેલી બાતમીના આધારે ગતસાંજે મોટા વરાછા વર્ણીપ્લાઝા બિલ્ડીંગ નીચેથી ખેડૂત સુરેશ મોહનભાઇ ખુંટ ( ઉ.વ.48, રહે.રામજી મંદિર ચોરા પાસે, મોવૈયા ગામ, તા.પઢદરી, જી.રાજકોટ ) ને મોબાઈલ ફોનમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી રૂ.15 હજારનો મોબાઈલ ફોન અને રોકડા રૂ.10,150 કબજે કરી તેની સાથે ઝડપાયેલા રત્નકલાકાર દિલીપ મોહનભાઇ કાકડીયા ( ઉ.વ.35, રહે.ઘર નં.65, પટેલપાર્ક સોસાયટી, નાના વરાછા ઢાળ પાસે, સરથાણા, સુરત. મુળ રહે.ધોળા, તા.ઉમરાળા, જી.ભાવનગર ) ની પાસેથી રૂ.10 હજારની મત્તાનો મોબાઈલ ફોન અને રોકડા રૂ.5 હજાર કબજે કર્યા હતા.ખેડૂત સુરેશ ખુંટને આઈડી-પાસવર્ડ રત્નકલાકાર દિલીપે આપ્યા હતા.જયારે દિલીપે થોડા મહિના અગાઉ અજાણી વેબસાઈટ ઉપર ચેટ કરી વ્હોટ્સએપ લીંક દ્વારા માસ્ટર આઈડી મેળવી સુરેશને કમિશનથી આપ્યાની કબૂલાત કરી હતી.ઉત્રાણ પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

લાલગેટ પોલીસે મળેલી બાતમીના આધારે શુક્રવારે મધરાત બાદ વેડ દરવાજા પાસેથી કોલકત્તા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ વચ્ચેની આઈપીએલની મેચ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા શ્રમજીવી નસિબુલ રહેમાન અબ્દુલ મલિક શેખ ( ઉ.વ.37, રહે.ઘર નં.101, કોપીરાજ એપાર્ટમેન્ટ, નાગોરીવાડ, સૈયદપુરા, સુરત. હાલ રહે.7/3363, સોની કોમ્પલેક્ષ, નાગોરીવાડ, સુરત ) ને ઝડપી પાડી તેની પાસેથી રૂ.7 હજારની મત્તાનો મોબાઈલ ફોન અને રોકડા રૂ.1910 કબજે કર્યા હતા.રાંદેર પોલીસે ત્યાં નજીકમાં નંબર વન ટી સેન્ટર પાસેથી કોલકત્તા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ વચ્ચેની આઈપીએલની મેચ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા શ્રમજીવી આસિબુલા રહેમાન અસિફાર શેખ ( ઉ.વ.25, રહે.7/3363, સોની કોમ્પલેક્ષ, નાગોરીવાડ, સુરત ) ને ઝડપી પાડી તેની પાસેથી રૂ.5 હજારની મત્તાનો મોબાઈલ ફોન અને રોકડા રૂ.450 કબજે કર્યા હતા.પોલીસે બે અલગ અલગ ગુના નોંધી આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *