Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓ પોત-પોતાના પ્રચારમાં લાગેલી છે. આ દરમિયાન નેતાઓની રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આસામના ગુવાહાટીમાં મીડિયામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીની વાતોથી એવું લાગે છે કે દેશને આઝાદી ભાજપ સરકાર (2014) બન્યા બાદ મળી છે, તે પહેલા તો દેશ આઝાદ જ નહોતો થયો’
ખડગેએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી દેશભક્તિની વાતો કરે છે. તેઓ એવું દર્શાવે છે કે દેશભક્તિમાં તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને ઈન્દિરા ગાંધીથી પણ આગળ છે. કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદ કરાવ્યો હતો. ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું. વડાપ્રધાન મોદી રાષ્ટ્રવાદ અંગે ઘણું બોલે છે જેમકે પહેલા નેહરૂ, ઈન્દિરા અને લાલ બહાદૂર શાસ્ત્રી જેવા મોટા નેતાઓએ કંઈ કર્યું જ નહીં.’
‘દેશમાં યુવાઓ માટે સૌથી મોટો મુદ્દો રોજગારીનો’
થોડા દિવસ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રોજગારીનો મુદ્દો ઉઠાવી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘દેશમાં યુવાઓ માટે સૌથી મોટો મુદ્દો રોજગારીનો છે. જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ‘રોજગાર ક્રાંતિ’ લાવીશું. આ સાથે તેમણે ‘ભારતીય ભરોસો’, ‘પ્રથમ નોકરી પાક્કી’ અને ‘પેપર લીકથી મુક્તિ’ જેવી ગેરંટી આપી છે.
‘અમે 30 લાખ નોકરીનું સર્જન કરીશું’
ખડગેએ આજે એક્સ (ટ્વિટર) પર કહ્યું હતું કે, ‘અમારી સરકાર આવશે તો ‘ભારતી ભરોસા’ની ગેરેન્ટી હેઠળ 30 લાખ નોકરીનું સર્જન કરવામાં આવશે. ‘પ્રથમ નોકરી પાક્કી’ની ગેરેન્ટી હેઠળ એપ્રેન્ટિસશીપના અધિકાર દ્વારા દરેક ડિગ્રી/ડિપ્લોમા ધારકને વાર્ષિક રૂપિયા એક લાખના માનદ વેતન સાથે પ્રથમ નોકરીની ખાતરી આપીશું.’
આ ઉપરાંત ખડગેએ ‘પેપર લીકથી મુક્તિ’ના મુદ્દાનો ઉલ્લેખ કરી લખ્યું હતું કે, ‘અમારી સરકાર આવશે તો કોંગ્રેસ નોકરી માટેની પરીક્ષામાં થતા પેપર લીકના મુદ્દાનો નિવેડો લાવવા અને પીડિતોને નાણાંકીય વળતર આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. તેમણે ‘યુવા રોશની’ ગેરેન્ટી હેઠળ કહ્યું કે, કોંગ્રેસ સ્ટાર્ટ-અપ માટે ફંડ ઓફ ફંડ્સ યોજનાની રચના કરશે અને 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાઓને લાભ મળી શકે તે માટે દેશના તમામ જિલ્લાઓમાં સમાન ફંડ 50 ટકા, 5000 કરોડ રૂપિયાની ફાળવણી કરીશું.’
’21 કરોડ નોકરીઓ છીનવી લીધી’
ખડગેએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસંખ્ય રેલીઓમાં તમે સાંભળ્યું હશે કે, તેમની સરકારે છેલ્લા 10 વર્ષમાં કેટલી નોકરીઓનું સર્જન કર્યું. 10 વર્ષમાં 20 નોકરીઓ આપવાના હતા, પરંતુ 12 કરોડથી વધુ નોકરીઓ છિનવી લીધી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગિગ ઈકોનોમી માટે સામાજિક સુરક્ષા પુરી પાડવામાં આવશે. અમે ગિગ ઈકોનોમીમાં કામ કરતા શ્રમિકોના અધિકારીઓની રક્ષા કરવા માટે એક સામાજિક સુરક્ષા કાયદો બનાવીશું.’
અમે અગ્નિવીર યોજના બંધ કરીશું : ખડગે
ખડગેએ વધુમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ દેશભક્ત યુવાનો પર લાદવામાં આવેલી અગ્નિવીર યોજના બંધ કરશે. વ્યાપક બેરોજગારીને કારણે, કોંગ્રેસ તમામ વિદ્યાર્થી શૈક્ષણિક લોનના સંદર્ભમાં 15 માર્ચ, 2024 સુધીના વ્યાજ સહિત લોનના બાકી લેણાં માફ કરશે અને સરકાર દ્વારા બેંકોને ભરપાઈ કરવામાં આવશે. કોંગ્રેસ 21 વર્ષથી ઓછી ઉંમરના પ્રતિભાશાળી અને ઉભરતા ખેલાડીઓને દર મહિને 10,000 રૂપિયાની સ્પોર્ટ્સ સ્કોલરશિપ આપશે. કોંગ્રેસ સરકારી પરીક્ષાઓ અને સરકારી પોસ્ટ માટે અરજી ફી નાબૂદ કરશે. મહામારી દરમિયાન 1 એપ્રિલ 2020થી 30 જૂન 2021 સુધી સરકારી પરીક્ષામાં હાજર ન રહી શકનારા અરજદારોને કોંગ્રેસ એક વખત તક આપશે.’