– 7 મેએ ત્રીજા તબક્કામાં ભાવનગર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી
– ચૂંટણી માહોલ નહીં જામતા રાજકીય લોકોની ચિંતા વધી, સ્ટાર પ્રચારકો આવશે ત્યારબાદ ચૂંટણી માહોલ જામશે તેવી ચર્ચા
ચૂંટણી આવતા જ રાજકીય માહોલ ગરમાતો હોય છે અને રાજકીય કાર્યકરો ઉત્સાહમાં જોવા મળતા હોય છે. ચૂંટણીના પગલે લોકોમાં પણ ચર્ચાનો માહોલ જામતો હોય છે પરંતુ હાલ ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણી માહોલ જામતો ન હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ગત તા. ૧૬ માર્ચના રોજ લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. આગામી તા. ૭ મેના રોજ ભાવનગર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનુ મતદાન થશે. ચૂંટણી આડે માત્ર ૧૦ દિવસ જ રહ્યા છે પરંતુ રાજકીય માહોલ જામતો નથી તેથી રાજકીય લોકોની પરેશાની વધી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીના આગેવાન-કાર્યકરો પણ પ્રચારમાં લાગી ગયા છે પરંતુ મતદારોમાં હજુ ઉત્સાહ દેખાતો નથી તેથી રાજકીય ઉમેદવારો મુંઝવણમાં મુકાયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે.
લોકસભાની ચૂંટણીના પગલે આગામી થોડા દિવસોમાં પ્રચાર કરવા માટે જુદી જુદી રાજકીય પાર્ટીના મોટા નેતાઓ આવવાના છે અને ચૂંટણી સભાઓનો ધમધમાટ જામશે, જેના પગલે રાજકીય માહોલ જામશે તેમ હાલ રાજકીય કાર્યકરોમાં ચર્ચાય રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગામડાઓમાં ગ્રામ પંચાયત અને શહેરમાં મહાપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામતો હોય છે. નાની ચૂંટણીમાં મતદારોને વધુ રસ દેખાતો હોય છે, જયારે મોટી ચૂંટણીમાં મતદારોને થોડો રસ ઓછો હોય તેમ જણાય રહ્યુ છે. લોકસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં રાજકીય માહોલ જામે છે કે નહીં ? તે જોવુ જ રહ્યું. હાલ મતદારોનો મુડ જાણી શકાતો નથી તેથી રાજકીય પાર્ટીના આગેવાનો પણ પરિણામને લઈ ચિંતીત હોવાનુ ચર્ચાય રહ્યુ છે.