Russia Ukraine War :રશિયાની એક કોર્ટે રશિયન અભિનેત્રી અને ટીવી પ્રેઝન્ટર અનાસ્તાસિયા ઈવિલેવાને યુક્રેન સાથે શાંતિ જાળવવાની અપીલ કરવા બદલ 50000 રૂબલ એટલે કે 560 અમેરિકન ડોલરનો દંડ ફટકાર્યો છે.
અનાસ્તાસિયા ઈવિલેવા મોસ્કોની એક નાઈટ ક્લબમાં નિર્વસ્ત્ર પાર્ટીનુ આયોજન કરીને ભારે ચર્ચામાં આવી હતી. ગત ડિસેમ્બરમાં તેણે યોજેલી પાર્ટી બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેના પર ગુસ્સો ઠાલવ્યો હતો.
જોકે તેને કોર્ટ કાર્યવાહીનો સામનો બીજા કારણોસર કરવો પડ્યો છે. રશિયાએ યુક્રેન સાથે યુધ્ધ છેડયુ તેના શરૂઆતના દિવસોમાં અનાસ્તાસિયા ઈવિલેવાએ સોશિયલ મીડિયા પર શાંતિ જાળવવા માટે અને વાતચીતથી સમસ્યાનુ સમાધાન કરવા માટે અપીલ કરી હતી. તેના પર રશિયાની સેનાને બદનામ કરવાનો આરોપ મૂકાયો હતો. કોર્ટે તેને આ મામલાની સુનાવણી દરમિયાન દોષી ઠેરવી છે અને તેને દંડ ફટકાર્યો છે.
જોકે અનાસ્તાસિયા ઈવિલેવા સૌથી વધારે ચર્ચામાં નિર્વસ્ત્ર પાર્ટીનુ આયોજન કરીને આવી હતી. આ પાર્ટીમાં સામેલ થવા માટે તેણે લોકોને મોકલેલા ઈન્વિટેશનમાં ડ્રેસ કોડ તરીકે નહીવત કપડા પહેરવા તેવો ઉલ્લેખ કર્યો હતો. રશિયાનો એક જાણીતો રેપર પણ આ પાર્ટીમાં શરીર પર નામ માત્રના વસ્ત્રો પહેરીને સામેલ થયો હતો.
આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ઘણા નેતાઓ તેમજ બ્લોગરોએ આ પ્રકારની પાર્ટી યોજવાની ટીકા કરીને કહ્યું હતુ કે, ‘રશિયા જ્યારે યુધ્ધ લડી રહ્યુ છે ત્યારે આવા દેખાડા શોભા નથી આપતા.’
આ પ્રકારની ટીકાઓથી અનાસ્તાસિયા ઈવિલેવાને ફરક પડ્યો નહોતો. તેણે ટીકાકારોને જવાબ આપતા કહ્યુ હતુ કે, ‘પશ્ચિમની દુબળી પાતળી મોડેલોને જોઈને આપણે તેમના વખાણ કરીએ છે જ્યારે આપણા જ દેશના સુંદર અને ફિટ કલાકારો સામે આવે છે ત્યારે આપણને વાંધો પડી જાય છે.’