Lok Sabha Elections 2024: સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન સાથે શિસ્ત સમિતિએ ફોર્મ રદ થવામાં નિષ્કાળજી અથવા ભાજપ સાથે મેળાપીપણું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે એવું કારણ આપીને આ નિર્ણય લીધો છે.  

કોંગ્રેસની શિસ્ત સમિતિનો પત્ર

સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ ખોટી સહીની એફિડેવિટ કરતાં તેમનું ફોર્મ રદ થયું હતું. આ ફોર્મ રદ થયાં બાદ કુભાણી ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. ગઈકાલે (25મી એપ્રિલ) નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું હતું કે, ‘મારા પતિ નિર્દોષ છે અને તેઓ અમદાવાદ છે. કોગ્રેસના નેતાઓ સાથે મળીને સમગ્ર ઘટનાનો ખુલાસો કરશે.’ ત્યારબાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ એક પત્ર જાહેર કરીને નિલેશ કુંભાણીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

નિલેશ કુંભાણી છ વર્ષ માટે સસ્પેન્ડ

કોંગ્રેસની શિસ્ત સમિતિએ પત્રમાં જણાવ્યું છે કે, ‘ફોર્મને રદ થવાની બાબતમાં તમારી (નિલેશ કુંભાણી) સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભાજપ સાથે તમારું મેળાપીપણું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતી. આમ છતાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમો નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કર્યો નથી, જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.’

આ પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે, ‘સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી, પરંતુ તેમાં તમે નિષ્ફળ ગયાં છે.  ફોર્મ રદ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે. મતદાતાને ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે. સુરતમાં બનેલી ઘટનાથી લોકોના મત આપવાનો અધિકાર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઈતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળાં અક્ષરમાં લખાશે.’

શિસ્ત સમિતિએ અવલોકન કર્યું છે કે, ‘આ પ્રકારની પરિસ્થિતિ એ અત્યંત શરમજનક ઘટના છે. આપ જાણતા હશો કે તમારી સામે પણ સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાલવી રહ્યા છે. આથી, તમને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધો છે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *