– રાહુલની વાયનાડ સહિત કેરળની તમામ 20 બેઠકો પર આજે ચૂંટણી

– હિટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બિહારની ચાર બેઠકોના અનેક મતદાન મથકોમાં મતદાનના સમયમાં વધારો કર્યો

નવી દિલ્હી : આવતીકાલે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ ૧૩ રાજ્યોમાં ૮૮ બેઠકો માટે મતદાન થશે. આવતીકાલે જે ૮૮ બેઠકો પર મતદાન થવાનું છે તેમાં કેરળની તમામ ૨૦ બેઠકો સામેલ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

બીજા તબક્કામાં ૮૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પણ મધ્ય પ્રદેશની બેતુલ બેઠક પર બસપાના ઉમેદવારનું મોત થઇ જતાં આ બેઠકની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજવામાં આવશે.

આવતીકાલે કેરળની તમામ ૨૦ બેઠકો ઉપરાંત કર્ણાટકની ૧૪, રાજસ્થાનની ૧૩, મહારાષ્ટ્રની ૮, ઉત્તર પ્રદેશની ૮, મધ્ય પ્રદેશની ૬, આસામની ૫, બિહારની ૫, છત્તીસગઢની ૩, પશ્ચિમ બંગાળની ૩, મણિપુરની ૧, ત્રિપુરાની ૧ અને જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે.

આવતીકાલની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ૧૫.૮૮ કરોડ મતદારો માટે ૧.૬૭ મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી છે અને તેમાં ૧૬ લાખ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. 

બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ ૧૫.૮૮ કરોડ મતદારો છે જેમાં ૮.૦૮ કરોડ પુરુષ અને ૭.૮ કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આવતીકાલની ચૂંટણીમાં ૩૪.૮ લાખ મતદારો નવા છે જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.૨૦ થી ૨૯ વર્ષના યુવા મતદારોની સંખ્યા ૩.૨૮ કરોડ છે. 

હિટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બિહારની ચાર બેઠકોના અનેક મતદાન મથકોમાં મતદાનના સમયમાં વધારો કર્યો છે. 

ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે હિટવેવની ચેતવણી આપી છે. 

આવતીકાલે કુલ ૧૨૦૨ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જેમાં ૧૦૯૮ પુરુષો અને ૧૦૨ મહિલા ઉમેદવારો સામેલ છે. ચૂંટણી અને સુરક્ષા કર્મચારીઓને લાવવા લઇ જવા માટે ત્રણ હેલિકોપ્ટર, ચાર સ્પેશિયલ ટ્રેન અને અન્ય ૮૦૦૦૦ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *