India Pakistan Relationship :પાકિસ્તાનના દિગ્ગજ વ્યવસાયીએ વડાપ્રધાન શાહબાઝ શરીફને ભારત સાથે સબંધો સુધારવાની અપીલ કરી છે.
પાકિસ્તાનની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા કરાચીમાં શાહબાઝ શરીફે દેશના ટોચના વ્યવસાયીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં તેમની પાસે દેશની ઈકોનોમીની ગાડીને ફરી પાટા પર ચઢાવવા માટેના સૂચનો માંગ્યા હતા.
આ બેઠકમાં પાકિસ્તાનના દિગ્ગજ વ્યવસાયી ગણાતા આરિફ હબીબે આઈએમએફ પાસેથી બેલઆઉટ પેકેજ પ્રાપ્ત કરવા માટે વડાપ્રધાન શરીફના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સાથે સાથે તેમણે બે જગ્યાએ હાથ મિલાવવા માટે પણ સૂચન કર્યુ હતુ.
હબીબે પાક વડાપ્રધાનને કહ્યુ હતુ કે, ‘હું ઈચ્છુ છું કે તમે બે જગ્યાએ દોસ્તીનો હાથ લંબાવો. એક તો પાકિસ્તાનના પાડોશીઓ સાથે અને તેમાં ભારત પણ સામેલ છે. મને લાગે છે કે તેના બહુ સારા પરિણામો જોવા મળશે.બીજુ કે અદિયાલા જેલમાં બંધ કેદી સાથે પણ તમે હાથ મિલાવી શકો છે. આ બંને પહેલના સકારાત્મક પરિણામો મળશે.’
હબીબનો ઈશારો ભારત અને પૂર્વ પીએમ ઈમરાનખાન સાથે વર્તમાન સરકાર સુમેળભર્યા સબંધો સ્થાપિત કરે તેના તરફ હતો. કારણકે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ખતમ કરી નાંખ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના વેપાર સબંધો તોડી નાંખ્યા છે. જોકે તેના કારણે પાકિસ્તાનની પ્રજા જ હેરાન થઈ રહી છે.
હવે પાકિસ્તાનને પણ લાગે છે કે, ભારત સાથે વેપાર બંધ કરીને બહુ મોટી ભૂલ કરી છે. તાજેતરમાં વિદેશ મંત્રી ઈશાક ડારે પણ સ્વીકાર્યુ હતુ કે, ‘પાકિસ્તાન જો ભારત પાસેથી સીધો વેપાર કરે તો પાકિસ્તાનના વેપારીઓ ભારતની પ્રોડકટસ સસ્તા ભાવે ખરીદી શકે છે. ભારત સાથે ફરી વેપાર શરુ કરવો કે નહીં તે અંગે સબંધિત પક્ષો સાથે ચર્ચા વિચારણા કરીને દેશના હિતમાં નિર્ણય લેવામાં આવશે.’