Kim Jong Un News | એક વિશ્લેષણકારે કહ્યું હતું કે દુનિયામાં બે જ મહાસત્તાઓ છે. ઈઝરાયલ અને ઉત્તર કોરિયા. તેઓ કોઈનું સાંભળવાની તકલીફ જ લેતાં નથી. સાંભળીને નકામા ‘કાન ફોડવા’ માગતા જ નથી.
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઉન તેઓનાં બહેનજીનાં કહેવા પ્રમાણે જ ચાલે છે. બહેનજી કીમ-યો-જોગ જેટલા સુંદર છે તેટલાં જ મન-બુદ્ધિ અને અહંકારથી કઠોર છે. સિંગાપુરમાં તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કીમ-જોંગ-ઉનને શાંતિ મંત્રણા માટે આમંત્રણ અપાયું હતું ત્યારે છેક છેલ્લી ઘડીએ કીમ-યો-જોંગે મંત્રણા તોડી નાખવા ઊનને કહેતાં શાંતિ મંત્રણા પડી ભાંગી હતી. લોખંડી છાતી ધરાવતા ટ્રમ્પને પણ પછાડ આપનાર મહિલા કેવા ‘વજ્ર બુદ્ધિ’ હશે તે સમજી શકાય તેમ છે.
તેઓએ કહી દીધું છે કે ઉત્તર કોરિયાને સૌથી સબળ સેના શક્તિ બનાવવા અમે સક્રિય છીએ. સાથે તેઓએ તેમ પણ કહ્યું : ‘અમે તો પ્રાદેશિક શાંતિ સ્થાપવા માટે જ સક્રિય છીએ.’ પરંતુ તે સાથે અમે અમારાં સાર્વભૌમત્વની સુરક્ષા કરતા જ રહીશું અને તેની સામે કોઈ પડકાર ફેંકશે તો તેના ભુક્કા કાઢી નાખીશું.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ બહેનજીનાં આ વક્તવ્યનું પ્રસારણ કરતાં જણાવ્યું હતું કે અમેરિકા શ્રેણીબદ્ધ મિલિટરી એકસસાઈઝ દક્ષિણ કોરિયા સાથે કરી રહ્યું છે. જાપાન પણ તેમાં ભળ્યું છે. અમેરિકા, દક્ષિણ કોરિયાના કઠપુતળી ગુંડાઓ (પપેટ-ગેન્ગસ્ટર્સ) સાથે ભળી લશ્કરી કવાયતો કરી રહ્યું છે, અને પ્રાદેશિક શાંતિ તથા સલામતીને ખંડિત કરી રહ્યું છે.
તે સર્વવિદિત છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ તાજેતરમાં જ નૌકાદળ અને વાયુદળની સંયુક્ત લશ્કરી કવાયત યોજી હતી. જેમાં ૧૦૦ જેટલા યુદ્ધ વિમાનોએ ભાગ લીધો હતો. તેમાં એરક્રાફ્ટ કેરિયર્સ અને અન્ય યુદ્ધ નૌકાઓ પણ જોડાયાં હતાં. આથી ઉત્તર કોરિયા ગિન્નાયું છે. તેણે કહી દીધું છે કે અમે અમારી લશ્કરી તાકાત વધારવામાં જ છીએ.
તે એટલાં બધાં શસ્ત્રો બનાવે છે કે, હવે તો તે રશિયાને પણ સપ્લાય કરે છે. યુક્રેન યુદ્ધમાં રશિયા તેનો ઉપયોગ પણ કરે છે. તેના બદલામાં રશિયા ઉ.કોરિયાને ગેસ અને તેલ આપે છે. કીમ-જોંગ-ઉન મોસ્કો ગયા ત્યારે ‘રેડ કાર્પેટ’થી તેઓનું સ્વાગત કરાયું હતું.
ઉ.કોરિયા પાસે પરમાણુ શસ્ત્રો પણ છે તે લઈ જઈ શકે તેવા આઈસી બી વેચ્યા છે.
ચીન બહારથી કહે છે કે ‘અમે તો ઉ.કોરિયાને પરમાણુ શસ્ત્રો કે અંતરમંડીય બેલાસ્ટિક મિસાઇલ્સ નહીં બનાવવા કહીએ છીએ.’
દુનિયા ‘ચીનના શાહુકારો’ને માને તેટલી મૂરખી નથી. વાત સીધી છે. ચીન- ઉ.કોરિયા-રશિયા અને ઈરાનની ‘ધરી’ રચાઈ ગઈ છે. ભલે ખુલ્લી રીતે તે જાહેર ન થઈ હોય તે પૈકી રશિયા-ચીન અને ઉ.કોરિયા ‘પરમાણુ શક્તિ’ છે તે પણ સર્વવિદિત છે.