અમદાવાદ, બુધવાર,24 એપ્રિલ,2024
અમદાવાદના લોકો માટે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસ પ્રાણ
ઘાતક સાબિત થઈ રહી છે.એ.એમ.ટી.એસ. બસ દ્વારા અકસ્માતના ૩૨૩ કોર્ટ કેસ હજુ પણ
પેન્ડિંગ છે. ખાનગી ઓપરેટરોની બસ દ્વારા અકસ્માત કરવામા આવ્યા હોય એવા ૧૬૬ કેસ
છેલ્લા અઢાર વર્ષથી ચાલી રહયા છે.અકસ્માત તેમજ મૃત્યુના કેસમાં કોર્ટ કાર્યવાહી
કરવામા આવ્યા બાદ અસરગ્રસ્ત કે મૃત્યુના કેસમાં પરિવારજનોને વળતર મેળવવા કોર્ટના
ધક્કા ખાવા પડી રહયા છે.
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છેલ્લા એક દાયકાથી પણ વધુના
સમયથી ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવામા આવી છે. ઉપરાંત આ બસ સેવા શહેરીજનો માટે
નહી પરંતુ ખાનગી ઓપરેટરો માટે ચલાવવામા આવી રહી હોય એવો આક્ષેપ મ્યુનિ.વિપક્ષનેતા
દ્વારા કરવામાં આવ્યો છે.બસ બસસ્ટેન્ડ ઉપર ઉભી રાખવામા આવતી નહી હોવાથી લઈ બસ મળતી
નહી હોવા સુધીની વિવિધ પ્રકારની કુલ ૧૦૯૭૦ ફરિયાદ લોકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમા
કરવામા આવી છે.છેલ્લા પંદર વર્ષથી વધુ સમયથી એ.એમ.ટી.એસ.માટે કોઈ કાયમી
ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂંક કરવામા આવતી નથી.આ કારણથી બસ સેવા સતત કથળી રહી છે.