Russia New S-500 Air Defense System : રશિયન સંરક્ષણ મંત્રી સોયગૂએ આજે રશિયન હવાઈ સંરક્ષણ દળોને અપાયેલા ઘાતક મિસાઈલ સિસ્ટમ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, અમારા એર ડિફેન્સ ફોર્સને વિશ્વની સૌથી ઘાતક અને અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ અપાઈ છે.
મિસાઈલ સિસ્ટમ રશિયા પર આંચ પણ નહીં આવવા દે
સોયગૂ આ મિસાઈલ સિસ્ટમની તાકાત અંગે કહ્યું કે, તેના સંરક્ષણ સિસ્ટમમાં બે પ્રકારના ફેરફાર કરાયા છે. જેનાથી કોઈપણ પ્રકારના સ્ટેલ્થ ફાઈટર જેટ, હાઈપરસોનિક મિસાઈલ, અત્યાધુનિક હથિયાર અથવા અવકાશનાં સેટેલાઈટ્સને સરળતાથી ખાતમો કરી શકાશે. રશિયા આ સિસ્ટમથી સજ્જ 10 બટાલિયન તહેનાત કરવા માંગે છે. જો રશિયા આ મિસાઈલો સિસ્ટમ સરહદ પર તહેનાત કરશે તો તેના પર કોઈપણ પ્રકારનો હુમલો કરવો અસંભવ બની જશે.
કોઈપણ હવાઈ હુમલાનો ખાતમો કરવાની ક્ષમતા
રશિયન એર ડિફેન્સ ફોર્સને અપાયેલી મિસાઈલ સિસ્ટમનું નામ S-500 Prometey છે. આ સિસ્ટમ લાંબા અંતરની એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. એટલે કે તેનાથી કોઈપણ પ્રકારના હવાઈ હુમલાનો ખાતમો કરી શકે છે. એટલું જ નહીં આ સિસ્ટમ કોઈપણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે અને સરળતાથી તહેનાત પણ કરી શકાય છે.
600 કિમી દૂર સુધીના ટાર્ગેટનો નાશ કરવાની ક્ષમતા
રશિયાના નવા મિસાઈલ સિસ્ટમના રેન્જની વાત કરીએ તો તેનામાં 600 કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને નસ્ટ કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત તેની સિસ્ટમથી 800 કિલોમીટર દૂર ઉભેલા દુશ્મનના હથિયારને ઓળખી શકવાની પણ તાકાત છે. આ સિસ્ટમની સૌથી મોટી વાત એ છે કે, તે એક જ વખતમાં જુદા જુદા પ્રકારના 10 ટાર્ગેટનો નાશ કરી શકાય છે.
એક કલાકમાં 25,000 કિમીની સ્પીડ માત્ર
S-500 Prometeyમાં લગાવાયેલી મિસાઈલ એક કલાકમાં 25,000 કિલોમીટરની સ્પીડે ટાર્ગેટ તરફ હુમલો કરી શકે છે. એટલે કે પ્રતિકલાક 12 હજાર કિલોમીટરની સ્પીડે રશિયા તરફ આવતી હાઈપરસોનિક હથિયારોનો પણ ખાતમો કરી શકે છે. તેની રેન્જ એટલી ખતરનાક છે કે, તેનાથી ધરતીની નિચલી કક્ષા સુધી ટાર્ગેટ કરી શકાય છે.
ટાર્ગેટનો પીછો કરતી વખતે કોઈપણ દિશામાં ભાગશે
તેમાં લાગેલી મિસાઈલો ટાર્ગેટ તરફ જતી વખતે દિશા પણ બદલી શકે છે અને ટાર્ગેટને પીછો પણ કરી શકે છે. આ ઉપરાંત તે ટાર્ગેટની દિશા મુજબ હુમલો કરી શકે છે. રશિયા આ મિસાઈલ સિસ્ટમને તેના જૂના એર ડિફેન્સ સિસ્ટમ (S-400, S-300VM4, S-350 Vityaz અને અન્ય સિસ્ટમ) સાથે જોડી શકે છે.
છેક અવકાશ સુધી હુમલો કરવાની ક્ષમતા
આ મિસાઈલ સિસ્ટમમાં 77N6-N અને 77N6-N1 ઈન્ટરસેપ્ટર મિસાઈલ લગાવાઈ છે. આ મિસાઈલનો ઉપયોગ એન્ટી-સેટેલાઈટ અને એન્ટી-સ્પેસક્રાફ્ટનો ટાર્ગેટ કરવા માટે થાય છે. જ્યારે બીજા વર્જનમાં લગાવાયેલી 40N6M એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ હાઈપરસોનિક મિસાઈલો, સ્ટેલ્થ ફાઈટર જેટ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.