– મોડી રાતે ભઠ્ઠીનો લાવા બહાર પડવાથી આગ લાગી
– સિહોર નગરપાલિકાના ફાયર વિભાગે 2500 લીટર પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી
સિહોર : સિહોરના વડીયા ગામ પાસે આવેલી રોલિંગ મીલમાં ગત મોડી રાતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ભઠ્ઠીનો લાવા બહાર પડવાથી આગ લાગી હતી જેને સિહોર નગરપાલિકાના ફાયર સ્ટાફે આશરે દોઢ કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી હતી.
સિહોર તાલુકાના વડીયા ગામ પાસે આવેલી રાજ ઈસ્પાત ફેક્ટરીમાં ગત મોડી રાતે આશરે ૧૨ વાગ્યાના અરસામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીની ભઠ્ઠીનો લાવા અચાનક ભંગાર પર પડવાથી આ આગ લાગી હતી. ફેક્ટરીમાં રહેલા ભંગારના લીધે ખુબ મોટી આગ પકડી લેતા આ અંગેની જાણ સિહોર ફાયર વિભાગને કરવામાં આવતા સિહોર ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગે ૨૫૦૦ લીટર પાણીનો છંટકાવ કરી એકથી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. મોડી રાતે લાગેલી આ આગમાં સદ્નસીબે કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયાના અહેવાલ નથી.