– 13-14ના ઇરાનના હુમલા પછી પ્રચંડ વળતો હુમલો નહીં કરવા બાયડેને નેતન્યાહુનને કહેતાં ઇઝરાયલે ન્યૂક્લિયર પ્લાંટ પર સીધો હુમલો ન કર્યો
વૉશિંગ્ટન, તેલઅવિવ : ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના સંબંધો સુધરવાનું નામ લેતા નથી. ૧૩-૧૪ એપ્રિલે ઇરાને, મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા જેના જવાબમાં ઇઝરાયલે ઇરાનના ન્યુક્લિયર પ્લાંટની બાજુમાં પ્રચંડ વિમાની હુમલા કર્યા હતા. પરંતુ તે ઘણા મર્યાદિત રહ્યા હતા. વાસ્તવમાં ઇઝરાયલ તેનાં એફ-૧૫, એફ-૧૬ અને એફ-૩૨ વિમાનો દ્વારા ઇરાનનો ન્યુક્લિયર પ્લાંટ જ ઉડાડી દેવા માંગતુ હતું પરંતુ અમેરિકાના પ્રમુખ જો બાયડેને નેતન્યાહુને ફોન કરી પ્રચંડ હુમલા નહીં કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ કહ્યું કે તેથી વ્યાપક તબાહી થશે. ઇરાન પણ બદલો લેવા તેટલું જ તૈયાર થશે. પછી હુમલાનો અને વળતા હુમલાઓની વણઝાર ચાલુ થવા સાથે યુદ્ધ વધુ વ્યાપક બનશે. માટે પ્રચંડ હુમલા ન કરવા. પરિણામે ઇઝરાયલે ઇરાન ઉપર ઘણા મર્યાદિત હુમલાઓ કર્યા હોવાનું ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું હતું.
ઇઝરાયલી અને પશ્ચિમી અધિકારીઓનો હવાલો ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે રાજદ્વારી દબાણો અને મહાયુદ્ધ રોકવા માટે ઇઝરાયલે વ્યાપક હુમલા નહીં કરવા નિર્ણય લીધો અને ઇરાનની પશ્ચિમે કેટલાક સો માઇલ પર તૈનાત વિમાનોમાંથી મર્યાદિત સંખ્યામાં મિસાઇલ્સ છોડયાં હતાં. સાથે ઇરાનનાં એરફોર્સને ભ્રમિત કરવા નાનાં પણ ઝડપી ડ્રોન વિમાનો પરથી ધારદાર મિસાઇલ્સ છોડયાં હતાં.