– કોંગ્રેસરાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો : મોદી
– મારા 90 સેકન્ડના ભાષણે કોંગ્રેસની સંપત્તિ-અનામતની ગુપ્ત નીતિ ખુલ્લી પાડી દીધી, જેથી તેના પાયા હચમચી ગયા : મોદી
– કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં ચાર વખત મુસ્લિમ અનામત લાગુ કરવા પાયલટ પ્રોજેક્ટનો અમલ કરવાનો પ્રયત્ન કર્યો હતો
જયપુર : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો બુધવારે છેલ્લો દિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી રેલીઓને સંબોધન કરતા કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. મોદીએ કોંગ્રેસ પર સંપત્તિ મુસ્લિમોમાં વહેંચવાનો આક્ષેપ કરવાની સાથે મંગળવારે નવો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશમાં એસસી-એસટીની અનામત ઘટાડીને મુસ્લમોને આપવાની યોજના બનાવી હતી. આ સાથે કર્ણાટકની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બની જાય છે. કોંગ્રેસ તેના ભ્રષ્ટાચારને છુપાવવા માટે હિંસાને પ્રોત્સાહન આપે છે.
રાજસ્થાનના જયપુરમાં એક રેલીને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ રાજમાં આસ્થાનું પાલન કરવું પણ મુશ્કેલ બની ગયું છે. આજે હનુમાન જયંતિએ મને યાદ આવે છે કે કોંગ્રેસના શાસનવાળા કર્ણાટકમાં થોડાક દિવસ પહેલા એક નાનો દુકાનદાર પોતાની દુકાનમાં બેસીને હનુમાન ચાલિસા સાંભળતો હતો. માત્ર આ કારણોથી જ તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ દર્શાવે છે કે કોંગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બની જાય છે. કનૈયાલાલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રાજસ્થાન તો પોતે જ તેનો ભોગ બની ચૂક્યું છે.ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ નકારી કાઢવાની બાબતને હનુમાન ચાલિસાના વિવાદ સાથે જોડતા મોદીએ કહ્યું કે, પક્ષનું મોવડીમંડળ જ જાહેરમાં આવું કરે તો તેમના ચેલાઓને પણ હનુમાન ચાલિસા સાંભળનારાને મારવાનું પ્રોત્સાહન મળે છે. તેમણે ઉમેર્યું કે, થોડાક દિવસ પહેલા જ રામનવમીએ કોંગ્રેસનું શાસન ગયા પછી આખા રાજસ્થાનમાં પહેલી વખત શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા નીકળી છે.
દેશમાં સંપત્તિના સરવે અને મુસ્લિમોમાં તેની વહેંચણીના આક્ષેપનો પુનરોચ્ચાર કરતાં મોદીએ કહ્યું, મારા ૯૦ સેકન્ડના ભાષણે કોંગ્રેસના વોટ બેન્કના રાજકારણ, તુષ્ટીકરણના રાજકારણનો પર્દાફાશ કર્યો હતો. તેનાથી કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમને એટલા મરચાં લાગ્યા છે કે મને ગાળો આપવા લાગ્યા છે. હું કોંગ્રેસને પૂછવા માગું છું કે તે હકીકતથી આટલી શા માટે ડરે છે. તમે બનાવેલી નીતિ મોદીએ જનતા સામે મૂકી દીધી તો ગભરાઈ કેમ ગયા છો?
તેમણે ઉમેર્યું કે હું દેશને જણાવવા માગું છું કે કોંગ્રેસ વોટ બેન્કના કળણમાં એટલી ધસી ગઈ છે કે તેને બાબાસાહેબ આંબેડકરના બંધારણની પણ ચિંતા નથી. તેમણે લખ્યું છે કે સંપત્તિનો સરવે કરાવીશું. તેમના એક નેતાએ ભાષણમાં કહ્યું કે, એક્સરે કરાવાશે. એટલે કે તમારા ઘરમાં બાજરાની અંદર ડબ્બામાં રાખેલું હશે તે પણ શોધી કઢાશે. તેમના નેતાએ જાહેરમાં કહ્યું છે કે તમારી બધી જ સંપત્તિ પર કબજો કરી લેવાશે અને લોકોમાં વહેંચી દેવાશે.
મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના સંપત્તિ પર પહેલા અધિકારવાળા નિવેદનનો ઉલ્લેખ કરતા આક્ષેપ કર્યો કે તેમની સરકારે દલિતોની અનામત ઘટાડીને મુસ્લિમોને આપવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસની વિચારસરણી હંમેશાથી વોટ બેન્ક અને તુષ્ટીકરણની રહી છે. ૨૦૦૪માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. આ સાથે તેમણે પહેલું કામ આંધ્ર પ્રદેશમાં એસસી-એસીટની અનામત ઘટાડીને મુસ્લિમોને આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ એક પાયલોટ પ્રોજેક્ટ હતો, જેને કોંગ્રેસ આખા દેશમાં અમલમાં મુકવા માગતી હતી. ૨૦૦૪થી ૨૦૧૦ વચ્ચે કોંગ્રેસે ચાર વખત આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ અનામત લાગુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાયદાકીય અવરોધો, સુપ્રીમ કોર્ટની જાગૃતિના કારણે તેના ઈરાદા પૂરા થઈ શક્યા નહીં.
તેમણે ઉમેર્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે એસસી-એસટી માટેની અનામત આંચકીને મુસ્લિમ અનામતની રચના કરી હતી, પરંતુ ભાજપ સરકારને તક મળતા તેણે આ નિર્ણય રદ કરી નાંખ્યો હતો. શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત માટેની બંધારણીય મર્યાદા વર્ષ ૨૦૨૦માં પૂરી થઈ ગઈ હતી, જેને તેમણે દલિતો અને આદિવાસીઓ માટે વધુ ૧૦ વર્ષ લંબાવી દીધી હતી.
છત્તીસગઢના ધમતરીમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર તેના ભ્રષ્ટાચારને છુપાવવા માટે હિંસાને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે તેમણે વચન આપ્યું હતું કે છત્તીસગઢમાંથી નક્સલવાદને જડમૂળથી ઊખાડીને ફેંકી દેવાશે. કોંગ્રેસ અને વિકાસ એક સાથે ચાલી શકે તેમ નથી. તે સત્તા પર આવે તેની સાથે જ ભ્રષ્ટાચાર અને હિંસામાં વધારો થાય છે. કોંગ્રેસ પૂર્વોત્તરમાં સત્તા પર હતી ત્યારે હિંસક પ્રવૃત્તિઓ નિયંત્રણમાં નહોતી. છત્તીસગઢમાં નક્સલવાદ સતત વધતો રહ્યો હતો.