મૃતકની ઓળખ મેળવવા પોલીસના પ્રયાસો

મૃતકની નજીકની વાડીની ઓરડીમાં હત્યા કરાયા બાદ લાશ ઢસડીને રોડ પર ફેંકી દેવાઈ

રાજકોટ: લોધિકાના ખાંભા ગામની સીમમાં આવેલી વાડી પાસેથી અજાણ્યા યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવતાં લોધિકા પોલીસે ખુનનો ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. જોકે આજે મોડી સાંજ સુધી પોલીસને મૃતકની ઓળખ મળી નથી. 

ખાંભા ગામની સીમમાં ખાંભેશ્વર ઈન્ડસ્ટ્રીઝ પાસે આવેલી હિતેષભાઈ કોરાટની વાડીની બે પૈકીની એક ઓરડીમાં અજાણ્યા યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયા બાદ લાશને ઢસડીને નજીકના સિમેન્ટ રોડ પર ફેંકી દેવાઈ હતી. ગઈકાલે રાત્રે આ લાશ મળ્યાની જાણ થતાં લોધિકા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. 

પોલીસે જોતાં મૃતકની ઉંમર આશરે ૩ર વર્ષ આસપાસ જણાઈ હતી. તેના ગળા, કપાળ અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયેલા હતા. સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યા બાદ પોલીસે જે વાડી નજીકથી લાશ મળી તે વાડી વાવવા રાખનાર જગદિશભાઈ સખીયા (ઉ.વ.પપ, રહે. ખાંભા)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. 

પોલીસે જણાવ્યું કે મૃતકે આછા ગુલાબી કલરનો શર્ટ અને ટ્રેક પેન્ટ પર્હેયું છે. કપાળના ભાગે ગુજરાતીમાં રામ અને જમણા હાથમાં ટેટુ ઉપરાંત તેની નીચે હિન્દીમાં નરશીમાં ત્રોફાવેલું છે. પોલીસે આસપાસ કામ કરતા શ્રમિકોને લાશ બતાવી હતી. પણ કોઈ ઓળખી શકયું ન હતું. 

આ સ્થિતિમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તપાસનો દોર જારી રાખ્યો છે. મૃતકની ઓળખ મળ્યા પછી જ હત્યા કયા કારણસર કરવામાં આવી હતી અને કોણે કરી તે સહિતની બાબતે ખુલાસા થવાની સંભાવના છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *